ઈન્ટરનેટ આઉટેજના કારણે ગુરુવારે નાણાકીય સંસ્થાઓ, એરલાઈન્સ અને અન્ય કંપનીઓની અનેક વેબસાઈટ્સ અને એપ થોડોક સમય માટે ઠપ થઈ ગઈ હતી. હોંગકોંગ સ્ટોક એક્સચેન્જે ગુરુવારે બપોરે જણાવ્યું હતું કે, તેની વેબસાઈટ ટેકનિકલ ઈશ્યુના કારણે બંધ થઈ હતી. આ અંગે તપાસ શરૂ કરાઈ છે. અન્ય એક પોસ્ટમાં એક્સચેન્જે કહ્યું કે, તેની વેબસાઈટ બંધ થયાની ૧૭ મિનિટ પછી વબસાઈટ પર ફરીથી સામાન્યરૂપે કામ કરતી થઈ ગઈ હતી. થાઉઝન્ડઆઈ, ડાઉનડીટેક્ટર.કોમ અને ફિન્ગ.કોમ ઈન્ટરનેટ મોનિટરિંગ વેબસાઈટ્સે અમેરિકા સ્થિત એરલાઈન્સ સહિત ડઝનેક વેબસાઈટ્સ ખોરવાઈ હોવાનું કહ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં લોકોને બેન્કિંગ સેવા, ફ્લાઈટ્સ બૂકિંગ અને પોસ્ટલ સર્વિસીસની વેબસાઈટ્સ એક્સેસ કરવામાં સમસ્યા થઈ હતી. દેશની પોસ્ટલ સર્વિસ ઓસ્ટ્રેલિયા પોસ્ટે ટ્વીટર પર જણાવ્યું હતું કે, ‘એક્સટર્નલ આઉટેજ’ના કારણે તેની અનેક સેવાઓ પર અસર પડી હતી અને થોડાક સમય પછી મોટભાગની સર્વિસીસ ફરીથી ઓનલાઈન શરૂ થઈ ગઈ હતી. આ સંદર્ભમાં તપાસ શરૂ કરાઈ છે. અનેક સેવાઓ લગભગ એક કલાક પછી શરૂ થઈ હતી, પરંતુ અસરગ્રસ્ત કંપનીઓએ કહ્યું હતું કે, વધુ સમસ્યા ટાળવા માટે તેઓ ઓવરટાઈમ કરી રહી છે.
વેસ્ટપેક, કોમનવેલ્થ, એએનઝેડ અને સેન્ટ. જ્યોર્જ સહિત કેટલીક બેન્કિંગ સર્વિસીસ ખોરવાઈ ગઈ હતી. દેશની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ પણ ખોરવાઈ ગઈ હતી. રિઝર્વ બેન્કે ટેકનિકલ ખામીના કારણે અન્ય કેટલીક બેન્કો સાથે બોન્ડ-ખરીદીની કામગીરી રદ કરી દીધી હતી.
વર્જિનિયા ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે, કંપનીએ તેની વેબસાઈટ્સ અને ગેસ્ટ કોન્ટેક્ટ સ ેન્ટર એક્સેસ ફરી શરૂ થયા પછી તેની ફ્લાઈટ્સનું કામ નિયમિત શેડયુલ મુજબ ચાલ્યું હતું. અકામાઈ કન્ટેન્ટ ડિલિવરી સિસ્ટમ સાથે વર્જિન ઓસ્ટ્રેલિયા સહિત અનેક કંપનીઓએ આઉટેજનો અનુભવ કર્યો હતો. વિશ્વની સૌથી મોટી કંપનીઓ અને બેન્કો મેસેચ્યુસેટ્સના કેમ્બ્રિજ સ્થિત અકામાઈના ગ્રાહકો છે. કંપનીએ કહ્યું હતું કે, આ સમસ્યાની તેને જાણ થઈ છે અને શક્ય એટલી ઝડપથી સર્વિસ શરૂ કરી દેવાઈ છે.
અમેરિકાની સોફ્ટવેર કંપની ફાસ્ટલીમાં સમસ્યાના કારણે થોડોક સમય માટે વિશ્વની ટોચની વેબસાઈટ્સ થોડોક સમય માટે ખોરવાઈ ગયાના થોડાક જ દિવસમાં ઈન્ટરનેટ આઉટેજની વધુ એક ઘટના બની છે. કંપનીએ સમસ્યા માટે સોફ્ટવેર બગને જવાબદાર ઠેરવ્યો હતો. ઈન્ટરનેટ સર્વિસ થોડોક સમય માટે ખોરવાઈ જવી તે અસામાન્ય બાબત નથી. જોકે, હેકિંગ અથવા અન્ય કારણોસર તે ભાગ્યે જ ખોરવાઈ જાય છે.