હાલ સમગ્ર દેશ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે અને સંક્રમણની ચેઈન તોડવા માટે મોટાભાગના રાજ્યોમાં કા તો લોકડાઉન છે અથવા તો કડક પ્રતિબંધો લાગૂ છે. લગ્નની આ સીઝનમાં લોકોને ખુબ મુશ્કેલીઓ પણ પડી રહી છે. કારણ કે સરકારે જાત જાતના પ્રતિબંધો લાગૂ કર્યા છે. આવામાં એક કપલે ધરતીની જગ્યાએ આકાશમાં લગ્ન કરવાની યોજના ઘડી અને પ્લેનમાં ગણતરીના સગા સંબંધીઓની હાજરીમાં લગ્ન કરી લીધા.
આ અનોખા લગ્ન તમિલનાડુના મદુરાઈમાં થયા. જ્યાં થુથુકુડી જઈ રહેલા વિમાનમાં સંબંધીઓ સામે કપલે લગ્ન કર્યા. તમિલનાડુમાં કોરનાના કેસના કારણે સીએમ સ્ટાલિને 24 મેથી 31 મે સુધી 7 દિવસ માટે પૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.
આ બધા વચ્ચે અનેક કપલ એવા હતા જેમણે 24થી 31 મે વચ્ચે લગ્ન કરવાની યોજના ઘડી હતી. મંદિરોની બહાર લોકો ભેગા થયા અને પોતાના સંબંધીઓની સામે લગ્ન કર્યા કારણ કે લોકડાઉનમાં કોઈ પણ સમારોહની મંજૂરી નથી.
આ જ કારણ છે કે આ કપલે એક ડગલું આગળ વધીને ચાર્ટર્ડ પ્લેનની અંદર લગ્ન કરી લીધા. મદુરાઈના રાકેશ અને દિક્ષાએ એક વિમાન ભાડે લીધું અને 130 સંબંધીઓની હાજરીમાં જ્યારે વિમાન આકાશમાં હતું ત્યારે લગ્ન કર્યા. આ કપલના લગ્ન બે દિવસ પહેલા થયા હતા અને ખુબ ઓછા સગા સંબંધીઓ હાજર રહ્યા હતા. જો કે જેવી રાજ્યમાં એક દિવસની છૂટની જાહેરાત થઈ કે તેમણે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે યોજના ઘડી નાખી.
દંપત્તિએ દાવો કર્યો કે તમામ 130 મુસાફરો તેમના સગા સંબંધી હતા. જેમણે આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ નિગેટિવ આવ્યા બાદ જ વિમાનમાં બધા સવાર થયા હતા.
હાલ જો કે આ કપલનો વિમાનમાં લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. કપલે બે કલાક માટે વિમાન ભાડે લીધુ હતું. તેમણે આકાશમાં લગ્ન કર્યાં.