Mon. Jun 17th, 2024

અમદાવાદના સાણંદ તાલુકાના નિદ્રાળમાં હજારો મહિલાઓએ શોભાયાત્રા કાઢી, 23 લોકો સામે ગુન્હોં નોંધાયો – સરપંચની થઈ ધરપકડ – જુઓ વિડીયો

એક તરફ કોરોનાને કારણે સમગ્ર ગુજરાતમાં મિની લોકડાઉન જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે સાણંદના નવાપુરા, નિધરાડ અને કોલાટ ગામમાં નિયમોની ઐસી કી તૈસી કરી ધાર્મિક કાર્યક્રમોમાં સેંકડો લોકો એકત્ર થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. અમદાવાદ ગ્રામ્યના DySP કે.ટી. કામરિયાના જણાવ્યા અનુસાર, ગામના સરપંચ સહિત 23 લોકો સામે આ મામલે પગલાં લેવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે 23 લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં ધાર્મિક કાર્યક્રમના આયોજકો ઉપરાંત ડીજેવાળાનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જે વાહનમાં ડીજેના સ્પીકરો રાખવામાં આવ્યા હતા તેને પણ જપ્ત કરાયું છે. નવાઈની વાત એ છે કે, સોમવારે બનેલી આ ઘટનાની પોલીસને કોઈ માહિતી નહોતી. જોકે, બુધવારે તેના વિડીયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.

પોલીસ અધિક્ષક, અમદાવાદ રૂરલ, વિરેન્દ્ર યાદવે કહ્યું, “પોલીસને આ ઘટનાની જાણ થતાં જ મહિલા ભક્તોને કોવિડ -19 પ્રોટોકોલ વિશે સમજાવવા અને તેમને પાછા તેમના ઘરે મોકલવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી. અમે 23 વ્યક્તિઓની ધરપકડ કરી છે, અને ગામના સરપંચની ધરપકડ કરી છે.

સરકારની કોવિડ ગાઇડ લાઇનના ભંગ કરવા બાબતે નવાપુરા ગામના ધાર્મિક પ્રસંગના આયોજકો (૧) કૌશિલભાઈ ભીખાભાઈ પટેલ (૨) ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ વાઘેલા (૩) દશરથભાઈ રાજુભાઈ ઠાકોર (૪) કિશનભાઈ ખોડાભાઈ ઠાકોર અને ડી.જે. વાળા મહેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરને પીક બોલેરો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાણંદ તાલુકાના આ ત્રણેય ગામોમાં સોમવારે બળિયાદેવના મંદિરમાં ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સ્ત્રીઓ પણ માથે પાણીના ઘડા લઈને જોડાઈ હતી. કાર્યક્રમમાં હાજર રહેલા લોકોમાંથી ના તો કોઈએ માસ્ક પહેર્યું હતું કે ના તો સોશિયલ ડિસ્ટન્સિંગ જેવું કંઈ રખાયું હતું. એક તરફ ગુજરાતમાં ગઈકાલે કુલ 36 શહેરોમાં નાઈટ કરફ્યૂથી લઈને બીજા અનેક નિયંત્રણો લાગુ કરાયા છે, ત્યારે બીજી તરફ અમદાવાદને અડીને આવેલા સાણંદમાં જ નિયમોનો સરેઆમ ભંગ થતાં પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.

ગામના સરપંચ સહિતના લોકો સામે કાર્યવાહી શરુ કરી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ધાર્મિક કાર્યક્રમમાં જોડાયેલી સ્ત્રીઓ સામે ગુનો નોંધવાને બદલે પોલીસે તેમના પતિઓ સામે કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.

સાણંદ તાલુકાના કુંવર ગામમાંથી બુધવારે પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં 250 લોકો સ્થાનિક મંદિર તરફ શોભાયાત્રા કાઢતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં પોલીસે આઈપીસી કલમો હેઠળ 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *