કોરોનાનો નવો વેરિઅન્ટ મળતાં વૈશ્વિક બજારો તૂટયા,એક જ દિવસમાં રૂ. 7.36 લાખ કરોડનું ધોવાણ

0 minutes, 0 seconds Read

અમદાવાદ : દક્ષિણ આફ્રિકામાંથી કોરોના વાઇરસનો નવો ખતરનાક વેરીએન્ટ મળી આવ્યાના અહેવાલો પાછળ વિવિધ દેશો દ્વારા સાવચેતીના પગલા સાથે પ્રતિબંધો લાદવાની શરૂઆત કરતા વૈશ્વિક અર્થતંત્રની વૃધ્ધિ રૂંધાવાની દહેશત પાછળ વૈશ્વિક બજારોમાં ફેલાયેલા ફફડાટ પાછળ આવેલ વેચવાલી પાછળ વિશ્વભરના શેરબજારો તૂટયા હતા.

આ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં પણ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાતા સેન્સેકસમાં 1688 અને નિફટીમાં 510 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. સેન્સેકસમાં બોલેલા કડાકાના પગલે આજે એકજ દિવસમાં રોકાણકારોની સંપતિમાંથી રૂ. 7.36 લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.

વિશ્વને હચમચાવતી કોરોના મહામારીએ પુન: માથુ ઊંચકયાના અહેવાલોની આજે ભારતીય શેરબજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. આ ઉપરાંત વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ પણ બજારનું મોરલ ખરડાયું હતું. ભારતમાં પણ વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસ વધવાના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર છવાયેલી હતી.

આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે સેન્સેકસ ઇન્ટ્રાડે તુટીને 57000ની સપાટી ગુમાવી 56993.89 સુધી પટકાયા બાદ કામકાજના અંતે 1687.84 પોઇન્ટના કડાકા સાથે 57107.15 ની સપાટીએ બંધ રહ્યો હતો.

એનએસઇ ખાતે વેચવાલીના દબાણે નિફટી ઇન્ટ્રાડે 17000ની સપાટી ગુમાવી 16985ના તળિયે પટકાયા બાદ કામકાજના અંતે 509.80 પોઇન્ટ તુટી 17026.45 ની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેકસમાં બોલેલ કડાકાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. 7.36 લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. 258.31 લાખ કરોડ રહ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે કુલ રૂ. 5786 કરોડની વેચવાલી હાથ ધરી હતી.

ડાઊજોન્સ ઇન્ડેક્સમાં 923 પોઇન્ટનો કડાકો

કોરોના વેરિયન્ટના અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કાકમાજના પ્રારંભિક તબક્કામાં કડાકો બોલી ગયો હતો. અમેરિકા શેરબજારનો ડાઊજોન્સ ઇન્ડેકસ કામકાજના પ્રારંભે નીચો ખુલ્યા બાદ મોડી સાંજે આ લખાય છે ત્યારે 923 પોઇન્ટ તુટી 34880 અને નાસ્ડેક 261 પોઇન્ટ તુટી 15583 ઉતરી આવ્યો હતો.

અમેરિકન ટ્રેડીંગમાં ક્રૂડ ઓઈલ 11 ટકા ઘટીને 73.38 ડોલર

કોરોના વાયરસના નવા વેરિએન્ટના કારણે ફરી વાયરસનો વ્યાપ વધશે અને વૈશ્વિક પરિવહન અટકી જશે જેથી ક્ડ ઓઈલની માંગ ઘટશે એવી દહેશતની ભાવમાં કડાકો બોલી ગયો છે.

અમેરિકન ટ્રેડીંગ સત્ર શરૂ થતા બ્રેન્ટ વાયદો 11 ટકા એટલે કે 8.68 ડોલર ઘટી 73.38 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યા છે. વૈશ્વિક ભાવમાં ઘટાડો થતા ભારતમાં એમસીએક્સમાં પણ ડિસેમ્બર વાયદો નવ ટકા તૂટી 5312 ડોલર પ્રતિ બેરલ ઉપર છે. ત્રણ દિવસમાં બ્રેન્ટ વાયદામાં 9 ડોલર અને વેસ્ટર્ન ટેક્સાસમાં 11 ડોલરનો કડાકો બોલી ગયો છે.

ચાલુ વર્ષમાં સેન્સેકસના કડાકા

તારીખ

કડાકો

(પોઇન્ટમાં)

25 ફેબુ્રઆરી

1939

12 એપ્રિલ

1708

26 નવેમ્બર

1688

22 નવેમ્બર

1170

22 ફેબુ્રઆરી

1145

30 એપ્રિલ

938

19 એપ્રિલ

883

તા,19 ઓક્ટોબરની ઓલ ટાઈમ હાઈ સપાટીથી ગબડેલા નિફ્ટીના ટોપ 10

કંપનીનું નામ

19 ઓકટોબરનો

26 નવેમ્બરનો

ઘટાડો

ભાવ રૂપિયા

ભાવ રૂપિયા

ટકા

ઇન્ડસઇન્દ બેંક

1194.00

901.80

24.5

હિન્દાલ્કો

533.75

417.00

21.9

તાતા સ્ટીલ

1366.90

1112.30

18.6

એક્સિસ બેંક

801.65

661.75

17.5

ભારત પેટ્રો

453.05

376.85

16.80

કોલ ઇન્ડિયા

184.50

155.90

15.50

બજાજ ઓટો

3911.55

3334.60

14.7

એનટીપીસી

149.65

128.85

13.90

વિપ્રો

711.55

621.45

12.7

બજાજ ફિનસર્વ

19076.55

16682.55

12.5

સેન્સેક્સ તથા નિફ્ટી ઓલટાઈમ હાઈ સપાટીથી 8 ટકા તૂટયા 

રોકાણકારોએ માત્ર 37 દિવસમાં રૂપિયા 16 લાખ કરોડ ગુમાવ્યા

મુંબઈ : વર્તમાન વર્ષના 19 ઓકટોબરના ઓલટાઈમ હાઈથી શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ 8 ટકાથી વધુ ઘટી ગયા છે ત્યારે આ ઘટાડામાં રોકાણકારોની મૂડીમાં અંદાજે  છેલ્લા પાંચ સપ્તાહમાં   રૂપિયા 16.38 લાખ કરોડનું ધોવાણ થયું છે.

19 ઓકટોબરના સેન્સેકસ 62245 જ્યારે નિફટીએ 18604 નવી વિક્રમી સપાટી દર્શાવી હતી. છેલ્લા પાંચ સપ્તાહમાં આ ઈન્ડેકસ 8 ટકાથી વધુ ઘટયા છે. શુક્રવારે સેન્સેકસ 57107 જ્યારે નિફટી 17026 બંધ આવ્યો હતો.

ઓલટાઈમ હાઈ વખતે બીએસઈની માર્કેટ કેપ રૂપિયા 2,74,69,606.93 કરોડ રહી હતી જે શુક્રવાર તા. 26.11.21ના રોજ ઘટી રૂપિયા 2,58,31,172.25 કરોડ રહી હતી. ઓલટાઈમ હાઈ સપાટીએથી થયેલા ઘટાડામાં એક પણ ઈન્ડેકસ બાકાત રહ્યા નથી.

વિવિધ ઈન્ડાઈસિસમાં સૌથી વધુ ઘટાડો 13.60 ટકા સાથે  બીએસઈ મેટલ્સમાં જોવા મળ્યો છે, જ્યારે ઘટાડામાં બીજો ક્રમ બીએસઈ એનર્જી ઈન્ડેકસનો રહ્યો છે. રિઅલ્ટી, મેટલ્સ, બેન્કસ તથા ઓટોમોબાઈલ્સ ઈન્ડેકસમાં ભારે કડાકા બોલાઈ ગયા છે જ્યારે ફાર્માએ થોડી રાહત પૂરી પાડી છે.  બેન્ચમાર્ક ઈન્ડેકસમાં આજે જ 2.80 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક પરિબળો ઉપરાંત કોરોનાના નવા વેરિયેન્ટ રોકાણકારોનું માનસ બગાડયું હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ટેપરિંગના સંકેતો ઉપરાંત વ્યાજ દર વધારો ગમે ત્યારે આવી પડવાની ચિંતાએ વૈશ્વિક શેરબજારો પર અસર કરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights