અમદાવાદ સહિત ગુજરાતભરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા ગયા છે જોકે, ગઈ કાલે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી ત્રણ સપ્ટેંબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે કાલે સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસશે.
વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના ઉંમરગામમાં 2 કલાકમાં 2.12 ઇંચ વરસાદ નોંધાયો છે. તો પારડી અને વલસાડ શહેરમાં 2 કલાકમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો હતો. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે બપોર બાદ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં મેઘ રાજાની એન્ટ્રી થતાં લોકોને ઉકળાટ અને બફારાથી રાહત મળી છે.
ગુજરાતમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે. વરસાદ નહીં થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે. તેમજ વરસાદ ન પડવાથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. તેવામાં હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.
રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. જૂનમાં 120 મિમી, જુલાઈમાં 177 મિમી અને ઓગસ્ટમાં 54 મિમી મળીને કુલ 352 મિમી વરસાદ થયો છે. ગુજરાતમાં થતાં 840 મિમી વરસાદની સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી.
રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.