Wed. Sep 18th, 2024

જૂનાગઢ પોલીસની પ્રશંસનીય કામગીરી, મોતની છલાંગ લગાવે તે પહેલા એક યુવકને બચાવી લીધો

પોતાના માતા-પિતાએ ઠપકો આપતા જૂનાગઢમાં રહેતો એક યુવક આત્મહત્યા કરવા પહોંચી ગયો હતો. તે ડેમમાં કુદકો મારવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે પોલીસને જાણ થતાં આ યુવકને બચાવી પોતાના માતા-પિતાને પરત સોંપ્યો હતો.

લોકોના મનમાં પોલીસની એક અલગ પ્રકારની છબી જોવા મળે છે. પરંતુ પોલીસ લોકોના રક્ષણ માટે હોય છે. આવી એક ઘટના જૂનાગઢમાં સામે આવી છે. તા. 05 જૂનના રોજ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એન્ટી રોમિયો સ્ક્વોડના ઇન્ચાર્જ એ.એસ.આઈ. સજ્જનબા જાડેજા, પો.કો. પ્રકાશભાઈ તથા ડ્રાઈવર કમલેશભાઈ સહિતના સ્ટાફની ટીમ દાતાર રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન વેલિંગટન ડેમ પાસે આવતા એક વીસેક વર્ષનો યુવાન કોઈ સાથે ફોન ઉપર પોતે જિંદગીથી કંટાળી ગયેલ છે અને જીવવા માંગતો નથી. તમને આ છેલ્લો ફોન કરું છું. તેવું જણાવતો હોઈ અને ડેમની રેલિંગ ઉપરથી કુદવાની તૈયારી કરતો હતો. જે એન્ટી રોમિયોની ટીમ સાંભળી અને જોઈ જતા તાત્કાલિક તેને પકડી રોક્યો હતો. ત્યારબાદ તેને સમજાવી નીચે લાવવામાં આવ્યો હતો. વેલિંગટન ડેમ ખાતે મળી આવેલ યુવાને પોતાનું નામ કેવિન નંદલાલ ડોબરીયા હોવાની ઓળખ આપી હતી. માતા-પિતાએ ઠપકો આપતા તેણે આ પગલું ભરવાનું નક્કી કર્યુ હતું.

એન્ટી રોમિયોની ટીમ દ્વારા ચોકી ગામ ખાતેથી તેના પિતા નંદલાલ ભાઈ તથા માતાને બોલાવી યુવાનને હેમખેમ સોંપવામાં આવ્યો હતો. પોલીસની ટીમે આ યુવકને ભોજન પણ કરાવ્યુ હતું. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા યુવાનને જિંદગી માણસને એકવાર જ મળે છે અને મહામૂલી જિંદગી સામે આવતા સંજોગો સામે લડવાનું હોઈ હારવાનું ના હોય તેમજ પોતાના મા-બાપએ ભગવાનનું સ્વરૂપ છે, એ જેટલું કહે એટલું જ કરવા સલાહ આપી હતી. ઉપરાંત યુવાનના માતાપિતાને પણ પોતાના સંતાનની સાર સંભાળ રાખવા તેમજ સાચવવા ધ્યાન રાખવા સલાહ આપવામાં આવી હતી.

જૂનાગઢ પોલીસનો વ્યવહાર જોઈ યુવાનના ચહેરા ઉપર ચમક આવી ગયેલ હતી. જૂનાગઢ પોલીસની સહિષ્ણુતાભરી કામગીરીથી પ્રભાવિત થઈ યુવાનના માતાપિતા દ્વારા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા એન્ટી રોમિયોની પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો અને જીવનમાં જીવવાનું મહત્વ ઘણું છે અને પોતાના કપરા સમયમાં જૂનાગઢ પોલીસની મદદના કારણે જ પોતાના સંતાનની જિંદગી બચી હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

Related Post

Verified by MonsterInsights