પોલીસનું કામ કાયદાનું પાલન કરાવવાનું છે. પણ જો પોલીસ જ કાયદાને ભૂલીને તેનુ ઉલ્લંઘન કરે તો શું કરવું. સુરત પોલીસ દ્વારા કાયદાના ધજાગરા ઉડાડતો વીડિયો સામે આવ્યો છે. કાયદો તોડનાર બીજુ કોઈ નહિ, પણ સુરત પોલીસના કર્મચારીઓ જ નીકળ્યા.
ગુજરાતના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. રાતના 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થઈ જાય છે. રાત્રિ કરફ્યૂમાં જો કોઈ બહાર નીકળે તો તેને ગાઈડલાઈન મુજબ દંડવામાં આવે છે. પરંતુ લોકોને કાયદો શીખવડતા પોલીસના કર્મચારીઓ જ તેનો ભંગ કરે તો શું. સુરત સિંગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈ એપી સલયીયાની બદલી ઈકો સેલમાં કરવામાં આવી હતી. તેથી સિંગણપોર સ્ટાફે સુરતના સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં પોલીસ સ્ટાફ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રિ કરફ્યૂમાં થયેલી આ ભવ્ય ઉજવણીના વીડિયો સામે આવ્યા છે.
ફાર્મ હાઉસમાં યોજાયેલ આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ ઘટના ગુજરાત પોલીસ સામે અનેક સવાલો પેદા કરે છે. ગુજરાત પોલીસના આબરુના ધજાગરા ઉડાવતી આ ઘટના સામે સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ તો આપ્યા છે, પણ આગળ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યું.
વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ કર્મચારીઓના આ કાર્યક્રમમાં કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું નથી. તેમજ માસ્ક પહેર્યા વગર સ્વાદિષ્ટ વ્યંજનોની મિજબાની માણવામાં આવી રહી છે.
સિંગણપુર પી.આઈ એ.પી.સલયિયા તેમજ વિદાય સમારંભમાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ કમિશનર કયા પ્રકારના પગલાં લેશે તેવા સવાલો નાગરિકોના મનમા પેદા થયા છે.