કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના પગલે સંખ્યાબંધ રાજ્યોમાં લોકડાઉન કે કરફ્યૂ નાંખવામાં આવ્યો છે.પોલીસ લોકોને કામ વગર બહાર નહીં નીકળવા માટે અપીલ કરતી હોય છે પણ ઘણા લોકો એવા હોય છે જે કરફ્યૂ દરમિયાન કોઈ પણ કારણ વગર ઘરની બહાર નીકળતા હોય છે અને પોલીસના સપાટે ચઢી જતા હોય છે.
જોકે મધ્યપ્રદેશમાં લોકડાઉન દરમિયાન લગાવાયેલા કરફ્યૂમાં નીકળેલા બે યુવાનોને પોલીસે એવી સજા આપી હતી કે તેમને આખી જિંદગી યાદ રહશે.આ સજાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે.જે જોયા પછી લોકો હેરાન છે.
આ બે યુવાનો પોલીસના હાથમાં આવ્યા બાદ પોલીસે તેમને એક દુકાનના ઓટલા પર બેસાડીને સતત ચાર કલાક સુધી નોટબૂકમાં લખાવડાવ્યુ હતુ કે, ઘરમાં રહો અને સુરક્ષિત રહો..આ ચાર કલાક દરમિયાન બંને યુવકોએ આ એક જ વાકયથી 44 પેજ ભર્યા હતા.
સોશિયલ મીડિયા પર આ વિડિયોને એક લાખ કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે.યુ ટ્યુબ પર વિડિયો ચર્ચામાં છે.જોકે બંને યુવકોને આ સજા આખી જિંદગી યાદ રહેશે તે નક્કી છે અને બીજી તરફ વિડિયો જોનારા લોકો પોલીસે આપેલી અનોખી સજાની પ્રશંસા પણ કરી રહ્યા છે.