Wed. Sep 18th, 2024

“મારું ગામ કોરોના મુક્ત ગામ” પહેલ શરૂ કરી આ ગામે તૈયાર કર્યો એડવાન્સ માસ્ટર પ્લાન, કોવિડ કેર સેન્ટર

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ૧૨૦૦-૧૩૦૦ વસ્તી ધરાવતા મોટા અંગિયા ગામે કચ્છના અન્ય ગામડાઓ તેમજ લોકોને એક નવી રાહ ચીંધી છે.

કોરોના મહામારીનો પગપેસારો હવે ગામડાઓમાં પણ થઇ રહ્યો છે. ગામડાની રહેણીકરણી-પરંપરા વગેરે એવી છે કે લોકો એકબીજાના સંપર્કમાં વધુ આવતા હોય છે જેના કારણે ગ્રામીણ વિસ્તારો પણ સજાગ બને તથા કોરોનાને મ્હાત આપવા આગળ આવી વિશેષ પ્રદર્શન કરે તે જરૂરી છે. એ માટે ૧લી મેથી ગુજરાત સરકારે “મારું ગામ કોરોના મુક્ત ગામ” પહેલ શરૂ કરી છે જેથી ગામડાંના લોકોની સુરક્ષા માટે ગામડા જ સજાગ બને અને જરૂરી નિયંત્રણ તેમજ સુવિધા વિકસાવે.

મોટા અંગિયા ગામના સરપંચ ઈકબાલભાઈ ઘાંચી અને ગામે જાગૃતિ દાખવી. મોટા અંગિયા ગ્રામ પંચાયતે એક નવી જ પહેલ કરી અન્ય ગામડાઓને એક નવો દ્રષ્ટિકોણ બતાવ્યો છે. તેમણે જે પરિવારનું રસીના બંને ડૉઝ લઈને સો ટકા વેક્સિનેશન થયું હોય તેમના ગ્રામ પંચાયતના વેરા માફ કર્યાં છે. જેથી લોકો આગળ આવી વેક્સિન લઈને પોતાના પરિવારને સુરક્ષિત બનાવે. ઉપરાંત ૫૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોને જો ગામ બહાર દવા માટે કે કોઇ અગત્યની બાબતે ખરીદી કરવા જવું હોય તો પંચાયતની ગાડી નિ:શુલ્ક આપવામાં આવે છે જેથી તેઓ સુરક્ષિત રહે અને તેમનું બહાર જવાનું પ્રમાણ પણ ઘટાડી શકાય.

કોરોનાએ હજુ ગામમાં બહુ દેખા દીધી નથી પરંતુ સાવધાનીના પગલાંરૂપે તેમજ લોકોને અગવડ ના પડે તે માટે ગામ લેવલે જ ૧૫ બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ બીમાર વ્યક્તિઓ માટે અત્યારે સાત્વિક ભોજન સાથેની ટિફિન સેવા પણ શરૂ કરાઇ છે, તદુપરાંત હોમ ક્વૉરન્ટાઇન લોકો માટે પણ અગાઉથી જ ટિફિનની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે

ગ્રામ પંચાયત દ્વારા એક હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે જેથી ગામમાં કોઇના ઘરને સેનેટાઈઝ કરાવવું હોય તો તેનો સંપર્ક કરી શકે અને રજૂઆત થતાં જ વિથોણ PHC સેન્ટરના સહયોગથી ઘરને સેનેટાઇઝ કરવામાં આવે છે. ઉપરાંત સમગ્ર ગામ, મંદિર, મસ્જીદ, જૈન દેરાસર વગેરેને સેનેટરાઇઝ કરવામાં આવ્યાં છે તથા જાહેર જગ્યાઓને અને ધાર્મિક સ્થાનોને પણ સેનેટાઈઝર આપવામાં આવ્યાં છે. દર પંદર દિવસે ગામમાં જનરલ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે તથા પંચાયત દ્વારા અવાર-નવાર માસ્ક અને ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે.

આ અંગે વધુ વિગત આપતા મોટા અંગિયા ગામના સરપંચ ઇકબાલભાઇ ઘાંચી જણાવે છે કે, ‘ચેતતા નર સદા સુખી, બસ આ વાતને જ ધ્યાનમાં રાખી આ મહામારીના સમયમાં આગમચેતીના પગલાંરૂપે ત્રણ મહિનાનું આગામી આયોજન ઘડી કાઢ્યું છે જેથી આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસવું પડે. આ સ્થિતિમાં તમામ ગામડાઓએ પણ જાગૃત બનીને કોરોનાને ટક્કર આપવી પડશે જે થકી આપણે ઝડપથી કોરોના સામેની આ જંગ જીતી શકીશું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ તમામ કામગીરીમાં તલાટી વિરલાબેન ભટ્ટ તેમજ પંચાયત, ગામના લોકો, વિથોઁણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશાવર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનોનો પણ સહયોગ મળી રહે છે.

Related Post

Verified by MonsterInsights