મ્યુકોરમાઇકોસીસ મામલે GTU ના ફાર્મસી વિભાગના વડાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર મ્યુકોરમાઇકોસીસ ના કેસ ચોમાસાની સિઝનમાં વધે તેવી પુરેપુરી શક્યતા છે
હાલમાં રાજ્યભરમાં મ્યુકોરમાઇકોસીસ ના કેસો સામે આવી રહ્યા છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ ૧૮૯૭ અન્યવયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી (CM) ના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર માં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કર્યા છે.
આ રોગની અસર જેમને થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ રોગનો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી છે.
ત્યારે મ્યુકોરમાઇકોસીસ મામલે GTU ના ફાર્મસી વિભાગના વડાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર મ્યુકોરમાઇકોસીસ ના કેસ ચોમાસાની સિઝનમાં વધે તેવી પુરેપુરી શક્યતા છે.
GTU ના ફાર્મસી વિભાગના વડા સંજય ચૌહાણે જણાવ્યું હતું કે વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં ફંગસ નો ગ્રોથ વધી શકે છે જેના લીધે કેસ વધવાની શક્યતા છે. ભીનું માસ્ક સતત પહેરી રાખવું સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ગરમીના કારણે પરસેવાથી માસ્ક ભીનું થઇ જાય છે. જેથી લોકોએ ત્રણ ચાર માસ્ક સાથે સ્પેરમાં રાખવા જોઇએ. ફંગસ થી બચવું હોય તો માસ્ક બદલીને પહેરવું જરૂરી છે.
મ્યુકોરમાઇકોસીસનો પુરૂષોને વધુ ખતરો
આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે. આ રોગમાંના માત્ર ૩૩.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની જરૂર પડી હતી. જયારે ૬૬.૫% દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ નહોતી.