હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલનના કારણે 9 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર કિન્નોરના બટસેરીના ગુંસાની પાસે પર્ટકોની એક ગાડી ભૂસ્ખલનનો ભોગ બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટના અંગે જાણ થતા તરત જ તંત્ર દ્વારા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પણ સૂચના મળતા ત્યાં દોડી આવી હતી. જોકે સતત પડી રહેલી ખડકોના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી સર્જાઈ હતી.
રેસ્ક્યુ કરવામાં પડી રહેલી મુશ્કેલીના કારણે હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું. વધુમાં રેસ્ક્યું ટીમ સાથે લોકો પણ જોડાયા છે. ભૂસ્ખલન થવાના કારણે પથ્થરો પડવાથી બાસ્પા નદી પર બનેલો પુલ તુટી જવાના કારણે અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે.
નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે વારંવાર ભેખડો ધસી પડતા રસ્તો બંધ થઈ જતા હોય છે. ત્યારબાદ મશીનરી લગાવીને રસ્તાઓને રિપેર કરવાની કામગીરી કરી રસ્તાઓને ખુલ્લા મુકવામાં આવે છે.