Wed. Sep 18th, 2024

Ahmedabad : Indigoની ફ્લાઇટમાં મુસાફરના પર્સ માંથી 30થી 35 હજાર રૂપિયાની ચોરી થઈ, કંપનીના સ્ટાફે તપાસ કરતા ચોંકાવનારી હકિકતો સામે આવી

જ્યારે કોઈ પેસેન્જર મુસાફરી કરે અને ફ્લાઈટમાં પાછા આવતા હોય ત્યારે તેમના સામાનમાંથી ચોરી થઇ હોવાનું સામે આવતું હોય છે. પરંતુ આ મુસાફર જે તે સ્થળે પહોંચી ગયા બાદ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. પરંતુ અમદાવાદ એરપોર્ટ ઉપર દિલ્હીથી આવેલી એક મહિલાએ ફરિયાદ કરવાનું ન ટાળ્યું અને તેણે સ્ટાફને આ અંગે જાણ કરી હતી. આ મહિલાએ જણાવ્યું કે તેના પર્સ માંથી 30થી 35 હજાર રૂપિયાની ચોરી થઈ છે. જેથી હાજર સ્ટાફે ત્યાં લોડ કરતા લોડરોની તપાસ કરી હતી. જેમાંથી ત્રણ વ્યક્તિ અવારનવાર અનેક મુસાફરોનો સામાન ચોરી કરી ચુક્યા હોવાનો ખુલાસો થતાં આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના મોટેરા વિસ્તારમાં રહેતાં સાગરભાઇ હેમનાની છેલ્લા ઘણા સમયથી ઈન્ડિગો ફ્લાઈટમાં એરપોર્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ -1 ઉપર ફરજ ઉપર હાજર હતા. તે દરમિયાન ફ્લાઈટના કસ્ટમર સર્વિસ તથા સિક્યુરિટી તથા કોમર્શિયલ અને રેમના ઓપરેશન ઇન્ચાર્જ તરીકે તેમની ફરજ નિભાવી રહ્યા હતા.

તે સમયે દિલ્હી થી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર એક ફ્લાઇટ આવી હતી. જેમાં એક મહિલા પેસેન્જર નિધીબેને સ્ટાફના કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ રણવીર સિંહને જણાવ્યું હતું કે તેઓએ પોતાની બેગ લીધી ત્યારે બેગ ના બંને ઝીપલોક ખુલ્લા હતા અને તેઓએ બેગ ચેક કરતા તેમાંથી રોકડા રૂપિયા 30થી 35 હજાર ચોરી થયા હતા.

જેથી હાજર સ્ટાફના લોકોએ સાગરભાઇ ને આ અંગે જાણ કરી હતી. ત્યારે તપાસ કરતા ફ્લાઇટના હોલ્ટ માં તેમજ અને ફરજ ઉપર હાજર લોડરોની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે ફ્લાઈટમાં લોડિંગ અનલોડિંગ નું કામ ચાલુ હતું. તે વખતે પાછળના હોલ્ટમાં લોડર ગૌરાંગ રાણા તથા નિતીન ગુજ્જર અને વિજય હાજર હતા.

આ ત્રણેય ને ચેક કરતા ગૌરાંગ રાણાના ખિસ્સામાંથી રૂપિયા મળી આવ્યા હતા. ત્યાં હાજર કર્મચારી કમલેશ ભાઈ ભીલની પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ત્રણેય અવારનવાર પેસેન્જરોની બેગમાંથી ચોરીઓ કરે છે અને તેઓએ અવારનવાર ચોરી નહીં કરવા સમજાવ્યું હતું પરંતુ આ ત્રણેય શખ્શો માનતા ન હતા અને કમલેશભાઈએ આ અંગેનું લેખીત સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું.

જેથી આ ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરતાં તેઓએ આવા અનેક પેસેન્જરોના માંથી અલગ અલગ વસ્તુ તથા રોકડા રૂપિયા ચોરી કર્યા હોવાનું સામે આવતા સાગરભાઇ એ અંગે ત્રણ લોકોની સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી એરપોર્ટ પોલીસે આ ત્રણેય લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Post

Verified by MonsterInsights