કેન્દ્ર સરકારે ભારતમાં કોરોનાને કારણે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે, 28 મે ના દિવસે કેન્દ્ર સરકારે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 11.8 કરોડ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) દ્વારા આર્થિક સહાય કરવાની જાહેરાટ કરી છે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડો.રમેશ પોખરીયાલ નિઃશંક એ આ અંગે કરેલા સત્તાવાર નિવેદન મુજબ મધ્યાહન ભોજન યોજના ની રસોઈના ખર્ચનો સીધો લાભ હવે યોજનામાં પાત્રતા ધરાવતા બાળકોને DBT દ્વારા આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આ કલ્યાણકારી પગલાથી મધ્યાહણ ભોજન યોજનાને પ્રોત્સાહન મળશે.
કેન્દ્ર સરકાર રાજ્યોને 12,000 કરોડ આપશે
ભારત સરકાર મધ્યાહન ભોજન યોજના ના આ ઉદ્દેશ્ય હેઠળ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આશરે 12,000 કરોડ રૂપિયાનું વધારાનું ભંડોળ આપશે. કેન્દ્ર સરકારની આ નાણાકીય સહાયનો લાભ દેશની સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધીમાં અભ્યાસ કરતા લગભગ 11.8 કરોડ બાળકોને મળશે. કેન્દ્ર સરકાર ઉપરાંત અનેક રાજ્ય સરકારોએ પણ કોવિડ -19 ના કારણે તેમના માતાપિતા ગુમાવનારા વિદ્યાર્થીઓને ભંડોળ આપવાની જાહેરાત કરી છે.
વિવિધ રાજ્યોએ જાહેર કરેલી સહાય
મધ્યાહન ભોજન યોજના ઉપરાંત કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગ, મધ્યપ્રદેશ, દિલ્હી, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોએ બાળકોના શિક્ષણ ખર્ચને આવરી લેવાની જાહેરાત કરી છે. શુક્રવાર, 28 મેના રોજ મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન ગાયકવાડે પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગ દ્વારા કોવિડ -19 મહામારીને કારણે માતા-પિતા ગુમાવનારા 1 થી 12મા ધોરણના વિદ્યાર્થીઓને આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.
કેરળ સરકારે સહાયની મોટી જાહેરાત કરી
27 મે, ગુરૂવારે કેરળના મુખ્યમંત્રી પી.વિજયને મોટી જાહેરાત કરી કે કેરળ સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણથી જીવ ગુમાવનારા લોકોના બાળકોને તાત્કાલિક રાહત તરીકે 3 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત આવા બાળકોના 18 મા જન્મદિવસ સુધી માસિક 2,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. તેમજ આવા બાળકોના ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.