World Environment Day : પર્યાવરણની જાળવણી માટે બહાર પાડયું જાહેરનામું, સામાજિક વનીકરણ વિભાગની અનોખી પહેલ

0 minutes, 2 seconds Read

આધુનિક વિશ્વ સામે સૌથી મોટો પડકાર હોય તો તે ગ્લોબલ વોર્મિંગ છે. જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. 5 મી જૂનની ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 1972 માં 5 મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણીના નક્કર આયોજન માટે એકઠા થયા હતા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામું બહાર પાડયું. જેના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા.૫મી જૂનના દિવસને “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

દર વર્ષની જેમ આ વર્ષે સુરતના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. જેની વિગતો આપતા નાયબ વનસંરક્ષક દિનેશ રબારીએ જણાવ્યું હતું કે, તુલસીએ ઓક્સિજનનો ભંડાર છે. આપણા ધર્મશાસ્ત્રોમાં તુલસીની અનન્ય ધાર્મિક મહત્તા દર્શાવી છે. તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર છે. દરેક પૂજન-અર્ચનમાં તુલસીનો ઉપયોગ થાય છે.

આંગણામાં તુલસીના છોડ ઉછેરવાથી વાતાવરણ શુદ્ધ રહે છે. આ પ્રકારે વિશેષ મહત્વ ધરાવતાં તુલસીના ઉછેર માટે વનવિભાગ જિલ્લાની જુદી જુદી નર્સરીઓમાં તૈયાર કરવામાં આવેલા બે લાખ તુલસીના છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જયારે જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે કોરોના વોરિયર્સના હસ્તે ત્રણથી ચાર હજાર લીમડા તથા તુલસીના છોડનું વાવેતર કરીને પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવશે.

વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતની થીમ છે “ઇકૉસિસ્ટમ રિસ્ટોરેશન”. એટલે કે, ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થઈ ગયેલી ઇકૉસિસ્ટમને સુધારવામાં મદદ કરવી. ઇકૉસિસ્ટમને ઘણી બધી રીતે પૂર્વવત કરી શકાય છે, જે માટે વૃક્ષો વાવવાં, પર્યાવરણની જાળવણી કરવી એ સૌથી સરળ અને સર્વોત્તમ રીત છે.
આપણે સૌ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે સામૂહિક સંકલ્પ લઈને ખરા અર્થમાં તેની ઉજવણી સાર્થક કરીએ. વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેમજ બની શકે ત્યાં સુધી પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળીને પર્યાવરણની રક્ષા કરી શકાય એ માટે કટિબધ્ધ બનીએ. શકય હોય ત્યાં સુધી અઠવાડિયામાં એક વાર પ્રાઈવેટ વાહનનો ઉપયોગ કરવાને બદલે ક્યારેક કારપુલ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીશું તો ઘણે અંશે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટાડી શકીશું

ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બન્યો છે, ત્યારે સુરત શહેરે ઘરે ઘરે અગાશી પર સોલાર રૂફટોપ યોજનાનો મહત્તમ લાભ લઈને અગાશી પર જ વિજળી ઉત્પન્ન કરીને પર્યાવરણની સુરક્ષામાં અનેરૂ યોગદાન આપી રહ્યા છે.

“વિશ્વ પર્યાવરણ દિને” સહુ સંકલ્પ લઇએ- કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં આપણે ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે, ત્યારે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા વિકાસને ટકાઉ બનાવીએ. પર્યાવરણ જાળવણીના સરળ, નાનાં નાનાં પગલાં પર્યાવરણને બચાવવા માટે વિરાટ પગલાં સિદ્ધ થશે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights