Thu. Jan 16th, 2025

અમદાવાદી મહિલાએ કોરોના નેગેટિવ આવતા દારૂની મહેફિલ યોજી, 4 મહિલા સહિત પાંચની ધરપકડ

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-1ના એક ફ્લેટમાંથી સોલા પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. પોલીસે દારૂની મહેફિલ માણી રહેલી ચાર મહિલાઓ અને એક પુરુષની ધરપકડ કરી છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ જણાવ્યું હતું કે મકાનમાં દારૂની મહેફિલની મેસેજને આધારે દરોડો પાડતા ઘરમાં ચાર મહિલા અને એક પુરુષ દારૂ પીધેલા મળી આવ્યા હતા. એક મહિલાએ દારૂ પીધો ન હતો. મહિલા પોતે કોરોના નેગેટિવ આવતાં તેણીએ મિત્રોને બોલાવી દારૂ પાર્ટી યોજી હતી.

આ મહિલાઓએ દારૂ પાર્ટી માણી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુ મેપલ કાઉન્ટી- 1માં દારૂની મહેફિલ ચાલતી હોવાની સોલા પોલીસ સ્ટેશનને કંટ્રોલરૂમમાંથી મેસેજને આધારે પોલીસે ગ્રીન એવન્યુના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં બેડરૂમમાં કેતન પાટડીયા (રહે. ગ્રીન એવન્યુ, થલતેજ), અનુરાધા ગોયલ ( રહે. અદાણી શાંતિગ્રામ), શેફાલી પાંડે (રહે. અક્ષર સ્ટેડિયા, બોડકદેવ), પ્રિયંકા શાહ (રહે. માણેકબાગ સોસાયટી, નેહરુનગર) અને પાયલ લિબાચિયા (રહે. હેલિકોનીયા એપાર્ટમેન્ટ, થલતેજ) દારૂ પીધેલા મળી આવ્યા હતા. ટીપોઈ પર દારૂના ગ્લાસ અને બોટલ મળી આવી હતી.

માનસિક તણાવમાંથી મુક્ત થવા દારૂ પાર્ટી યોજી
ઘરમાં અન્ય એક મહિલા અમોલા કેતન પાટડીયા પણ હાજર મળી આવી હતી. જે દારૂ પીધેલી હાલતમાં મળી આવી ન હતી. અમોલા કોરોના નેગેટિવ આવ્યા હતા. જેઓએ માનસિક તણાવ દૂર કરવા માટે તેઓએ મિત્રો સાથે મળી અને દારૂની મહેફિલ યોજી હોવાનું સોલા પોલીસે જણાવ્યું હતું. પોલીસે ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Related Post

Verified by MonsterInsights