મહારાષ્ટ્રના બુલઢાણમાં એક આઠ વર્ષના બાળક પાસેથી કોવિડ કેર સેન્ટરનું ટોયલેટ સાફ કરાવવાનો મામલો સામે આવ્યો છે. બાળકનો ટોયલેટ સાફ કરતો વીડિયો વાયરલ થયા બાદ બાળક પાસે આ કામ કરાવનારા ગ્રામ પંચાયત સમિતિના સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક બાળક ટોયલેટ સાફ કરી રહ્યો છે. એક વ્યક્તિ તેને મરાઠી ભાષામાં નિર્દેશ આપી રહ્યા છે.
છેલ્લા ત્રણ દિવસથી વાયરલ થઇ રહેલા આ વીડિયો મહારાષ્ટ્રના બુલઢાણ જિલ્લાના મરોડ ગામનો છે. આ વીડિયો જિલ્લા પરિષદ સ્કૂલનો છે. જેને અત્યારે પ્રશાસને આઇસોલેશન સેન્ટરમાં બદલી દીધુ છે અને અત્યારે કોરોના દર્દીઓ દાખલ છે. ગામ સમિતિને જાણ થઇ કે અહીં જિલ્લા અધિકારી નિરીક્ષણ માટે આવવાના છે એવામાં કોઇ ટોયલેટને સાફ કરવા માટે રાજી નહોતુ.
પંચાયત સમિતિના એક અધિકારીએ આઠ વર્ષના બાળકને ધમકાવીને ટોયલેટ સાફ કરાવ્યું. કોરોના દર્દીઓનું ટોયલેટ સાફ કરવા કોઇ મળ્યુ નહિ ત્યારે બાળક પાસેથી સફાઇ કરાવવામાં આવી.
બાળકે જણાવ્યુ કે ટોયલેટ સાફ કરાવવા માટે તેને લાકડીથી મારવાનું કહી ધમકાવાયો અને ટોયલેટ સાફ કરવા માટે 50 રુપિયા પણ આપ્યા હતા. જાણકારી પ્રમાણે વીડિયોમાં પંચાયત સમિતિના જે અધિકારી બાળકને નિર્દેશ આપી રહ્યા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ બીજેપીના નેતાઓ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની માગ કરી છે.