ઇન્ડોનેશિયાના બાન્ટેન પ્રાંતની જેલમાં આગ લાગી છે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં 40 કેદીઓના મોત થયા છે. હાલમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
રોઇટર્સ અનુસાર, જેલમાં ભીડ હતી. બુધવારે સવારે 1 – 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ સમયે મોટાભાગના કેદીઓ સૂઈ ગયા હતા. ઘણા કેદીઓ અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયા છે, તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગના પ્રવક્તા રિકા અપરિંતીએ જણાવ્યું હતું કે, તંગેરંગ જેલ બ્લોક સીમાં આગ લાગી હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બ્લોક સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો છે. હાલ આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
તેમણે કહ્યું કે, આ બ્લોકનો ઉપયોગ ડ્રગ સંબંધિત ગુનાઓ માટે કેદીઓને રાખવા માટે કરવામાં આવતો હતો. આ બ્લોકમાં 122 કેદીઓને રાખવાની ક્ષમતા છે, પરંતુ હાલમાં કેટલાને રાખવામાં આવ્યા છે; તેની પુષ્ટિ થવાની બાકી છે.
સપ્ટેમ્બર મહિનાના સરકારી આંકડાઓ મુજબ, તંગરેંગ જકાર્તા નજીક ઔદ્યોગિક અને ઉત્પાદન કેન્દ્ર છે. આ જેલમાં 2,000 થી વધુ કેદીઓ હતા, જે તેની ક્ષમતા 600 કરતા વધારે છે.