રાજસ્થાનમાં બાળકો કોરોના મહામારીની લપેટમાં આવવા લાગ્યા છે. ત્રીજી લહેર અંગે જે પ્રકારની આશંકાઓ સેવાઈ રહી હતી તેમ જ બની રહ્યું છે. હવે બાળકો પણ કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. રાજસ્થાનમાં 600 જેટલા બાળકો કોરોનાનો શિકાર બનતા હાહાકાર વ્યાપ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે દૌસા ખાતે 1 મેથી 21 મે દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરના 341 બાળકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. ડુંગરપુર ખાતે પણ આવી જ સ્થિતિ છે. ડુંગરપુર ખાતે 12 મેથી 22 મે સુધીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 255 બાળકો સંક્રમિત થયા છે.
ડુંગરપુરના કલેક્ટર સુરેશ કુમાર ઓલાના કહેવા પ્રમાણે તેમના જિલ્લામાં બાળકોમાં કોરોના સંક્રમણ ખૂબ જ સામાન્ય છે. બાળકોના માતા-પિતા કોરોના પોઝિટિવ આવી રહ્યા છે માટે બાળકો પણ સંક્રમિત થયા છે. કોરોનાની બીજી લહેરના કારણે દેશભરના લોકો ત્રસ્ત છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધુ હેરાન કરી રહી છે કારણ કે ત્રીજી લહેરની સૌથી વધારે અસર બાળકો પર પડવાની છે. રાજસ્થાનના 2 જિલ્લામાં બાળકો ખૂબ જ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. દૌસા અને ડુંગરપુર ખાતે બાળકોમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસ ચિંતાજનક છે.