Mon. Dec 23rd, 2024

આજથી દેશભરમાં ખાનગીકરણના વિરોધમાં 9 લાખ બેંક કર્મચારીઓની હડતાળ, ચાર દિવસ બેંકો રહેશે બંધ

એક બાજુ કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે તો બીજી તરફ સરકારી બેંકોનો ખાનગીકરણના વિરોધમાં આજે સરકારી કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. જેના પગલે હવે કરોડોના વ્યવહાર ખોરવાઈ જશે. એક રિપોર્ટ પ્રમાણે 9 લાખ કર્મચારીઓ સરકારના આ નિર્ણય વિરુદ્ધ ઉભા છે. કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં 16 અને 17 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.

ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC)એ 16-17 ડિસેમ્બરે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળ જાહેર કરી છે. બેન્કોના ખાનગીકરણના વિરોધમાં આ એલાન કરવામાં આવ્યું છે. બેન્ક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળમાં વધુ પ્રમાણમાં જોડાય તે માટે સોશિયલ મીડિયામાં હાલ આંદોલન પણ ચલાવાઈ રહ્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો 70,000 બેન્ક કર્મચારીઓ જોડાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આજથી બે દિવસ હડતાળ સફળ રહે તો ગુજરાતમાં રાષ્ટ્રીય કૃત બેન્કોની 4800 બ્રાન્ચનું કામકાજ અટકી જશે.

શું છે બેન્ક હડતાળનું કારણ?
રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓએ બાયો ચઢાવી છે. બેંક કર્મચારીઓ શિયાળુ સત્રમાં આવનાર બેન્કિંગ એમેન્ડમેન્ટ લો સુધારા વિધેયકનો વિરોધ કરશે. આ અંગે બેંક કર્મચારીઓનું માનવુ છે કે સરકાર રાષ્ટ્રીયકૃત બેંકને ખાનગી માલિકને સોપી શકે છે. જેને લઈને થાપણદારોએ બેંકમાં મુકેલી થાપણ એક જ ઠરાવથી ખાનગી માલિકના હાથમાં જવાનો ભય છે. આ નિર્ણયથી ગ્રાહકોને સૌથી મોટી અસર થશે.

Related Post

Verified by MonsterInsights