આખો દેશ આજે કારગિલ વિજય દિવસ મનાવી રહ્યો છે. આજના દિવસે 22 વર્ષ પહેલા એટલે કે 26 જુલાઈ 1999ના ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને કારગિલની પહાડીઓથી ખદેડી હતી. દેશ માટે જીવ આપી દેનારા શહીદ સૈનિકોના સન્માનમાં આજે અનેક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આજે દ્રાસ જવાનો કાર્યક્રમ હતો જ્યાં તેઓ તોલોલિંગ પહાડીની તળેટીમાં સ્થાપિત યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના હતા.
જો કે ખરાબ હવામાનના કારણે તેઓ દ્રાસ ના જઈ શક્યા. તેમણે બારામુલા વૉર મેમોરિયલ પર જ કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારના કારગિલ વિજય દિવસની 22મી વર્ષગાંઠ પર પાકિસ્તાનની સાથે થયેલા આ યુદ્ધના શહીદોને યાદ કર્યો. આ નિમિત્તે તેમણે કહ્યું કે, સેનાની બહાદુરી દરેક દિવસે દેશવાસીઓને પ્રેરિત કરે છે. તેમણે ટ્વીટ કર્યું કે, ‘આપણે તેમના બલિદાનને યાદ કરીએ છીએ. આપણે તેમની બહાદુરીને યાદ કરીએ છીએ. આજે કારગિલ વિજય દિવસના અવસર પર અમે એ તમામને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ કરીએ છીએ, જેમણે દેશની રક્ષા કરતા કારગિલમાં પોતાને ન્યોછાવર કરી દીધા. તેમની બહાદુરી આપણને દરરોજ પ્રેરણા આપે છે.’
તો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ સોમવારના કારગિલ વિજય દિવસ પર 1999માં થયેલા યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વીટ કર્યું કે, ‘આજે કારગિલ વિજય દિવસ પર એ વિજય અભિયાનમાં વીરગતિ પ્રાપ્ત કરનારા અમર શહીદો સૈનિકો પ્રત્યે કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. વિજય અભિયાનમાં ભાગ લેનારા વીર સૈનિકો અને તેમના પરિવારોના અદમ્ય શૌર્ય અને ધૈર્યને દેશના ઇતિહાસમાં હંમેશા ગર્વથી યાદ કરવામાં આવશે.’
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, ‘કારગિલ વિજય દિવસના અવસર પર હું ભારતીય સેનાના અદમ્ય શૌર્ય, પરાક્રમ અને બલિદાનને નમન કરું છું.’