કર્ણાટક પોલીસે ગુરુવારે કહ્યું હતું કે તેમણે ભાજપ યુવા મોરચાના કાર્યકર પ્રવીણ નેતારુની હત્યાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી છે.
અધિકારીઓએ ઉમેર્યું હતું કે, આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
દક્ષિણ કન્નડના પોલીસ અધિક્ષક (SP) એ ANI સાથે વાત કરતા જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 15 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ આ ઘટનામાં ઉપયોગમાં લેવાતા કેરળના રજીસ્ટ્રેશન વાહનની શક્યતાની પણ તપાસ કરી રહ્યા છે.
મંગળવારે મોડી સાંજે દક્ષિણ કન્નડના બેલ્લારેમાં બાઇક પર સવાર અજાણ્યા લોકોએ ભાજપના યુવા કાર્યકર પ્રવીણ નેતારુ પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો.
કર્ણાટકના ગૃહપ્રધાન અરગા જ્ઞાનેન્દ્રએ આ ઘટના પર નિવેદન આપતાં કહ્યું કે આમાં ચરમપંથી પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI) અને તેની રાજકીય શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (SDPI)ની સંડોવણી શંકાસ્પદ છે.
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. જો કે, એક ઘટનાના આધારે સંગઠનો પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. અન્ય રાજ્યોમાં જૂથો પર પ્રતિબંધ હોવા છતાં, તેઓએ પ્રતિબંધ સામે કોર્ટમાંથી સ્ટે મેળવ્યો છે, એમ તેમણે ઉમેર્યું.
અરગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે પ્રવીણ ખૂબ જ સારા વ્યક્તિ અને પક્ષને વફાદાર હતા. ભાજપના કાર્યકરોને લાગે છે કે આ ઘટના તેમના જ ઘરમાં બની છે. પરિણામે પક્ષના કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.