ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે. પણ આ કાયદો માત્ર કાગળ પર હોય એવું ચિત્ર સામે આવ્યું છે. ક્યારેક દારૂની હેરાફેરી તો ક્યારેક ‘પાર્ટી-શાર્ટી’ પકડાય છે. પોલીસે આ વખતે રાજ્યના પાટનગરમાં ચાલતી પાર્ટીમાં રંગમાં ભંગ પાડ્યો હતો. આવા કેસમાં ક્યારેક માલેતુજાર પરિવારના નબીરાઓ ઝડપાય છે. પણ ગાંધીનગરમાંથી ચાલી રહેલી પાર્ટીમાંથી 9 યુવતીઓ દારૂની મહેફિલ માણતી પકડાઈ છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે 9 યુવતીઓ અને ચાર યુવકોને રંગેહાથ પકડી લીધા છે. ગાંધીનગર જિલ્લાના સરગાસણની આશ્કા હોસ્પિટલની પાછળ સ્વાગત અફોર્ડના રૂમ નં.501માં પાર્ટી ચાલી રહી હતી. દારૂની મહેફિલમાં યુવક-યુવતીઓ મસ્ત હતા. એક સ્થાનિક તરફથી પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ઈન્ફોસિટી પોલીસની ટીમે આ સ્થળે દરોડા પાડતા યુવકો સાથે યુવતીઓ દારૂ પીતી ઝડપાઈ હતી. કુલ 13 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મોંઘી બ્રાન્ડનો દારૂ મંગાવવામાં આવ્યો હતો. પોલીસને આશંકા છે કે, આમાંથી કોઈ ડ્રગ્સ પણ લઈ રહ્યું હશે. રૂમમાં યુવતીઓ તથા યુવકો મોટા અવાજે સ્પીકર લગાવીને મ્યુઝિક વગાડી રહ્યા હતા. અંદર રૂમમાં દારૂ સાથે ડાન્સ પાર્ટી ચાલી રહી હતી. ચાર યુવાનો અને નવ યુવતીઓ પીધેલી હાલમાં ઝડપાયા હતા. દારૂની બોટલ સિવાય પણ પોલીસને કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ મળી છે. જ્યારે પોલીસ તપાસ કરવા માટે પહોંચી ત્યારે યુવતીઓ અર્ધનગ્ન હાલતમાં હતી. એક યુવતીએ એટલો નશો કર્યો હતો કે, બેહોશ સ્થિતિમાં હતી.
જ્યારે બાકીની પીધેલી સ્થિતિમાં હતી. આ તમામ વિદ્યાર્થીઓ છે અને કર્ણાવતી ડેન્ટલ કૉલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં પાર્થ રાજેન્દ્ર સોજીત્રા, અક્ષત વરપ્રસાદ, સ્મૃતિ સદાનંદ પૂજારી, પૂજા મંગેશ સાંબારે, પ્રજવલ વિજયભાઈ કશ્યપ, અર્જુન દિલિપભાઈ કાનત, શ્રીજા શ્રીનિવાસ અપન્ના, નમ્રતા મનોજભાઈ અગ્રવાલ, દિવ્યાંશી મેહુલભાઈ શર્મા, શ્રેયા રામાનંદ મિશ્રા, નિહારિકા રાહુલ જૈન, ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત, અવની રાકેશભાઈ અગ્રવાલનો સમાવેશ થાય છે. પોલીસે આ કેસમાં તમામના વાલીઓને જાણ કરી છે. આ ઉપરાંત જરૂરી પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. જોકે, દારૂ ક્યાંથી આવ્યો એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.