ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે. ત્યાં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરી છે. તેમણે અમિત શાહને વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામીની મૂર્તિ પણ આપી છે.
ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સીમંધર સ્વામીની મૂર્તિ આપી હતી. મુખ્યમંત્રીની ઓફિસથી લઈ વડાપ્રધાનની ઓફિસમાં સીમંધર સ્વામી હવે બિરાજમાન થઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમણે દાદા ભગવાનની બુક આપી હતી.
નવી દિલ્હીની મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પશુપાલન તથા ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમ રૂપાલા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને પણ મળ્યા હતા.
નવા મુખ્યમંત્રીએ 13 સપ્ટેમ્બરે શપથગ્રહણ કરતા પહેલા સીમંધર સ્વામી સમક્ષ માથું નમાવ્યું હતું. ત્યાર બાદ શપથગ્રહણ કરીને તેઓએ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતા પૂર્વે શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.