ગુજરાતના 8 મહાનગરો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. જેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી રહેશે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી છે. છેલ્લાં 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ 10માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.
મહત્વનું છે ગુજરાતમાં સરકાર બદલાતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના રાજમાં આ સૌથી મોટો અને પહેલો નિર્ણય કહી શકાય. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કોરોનાના કેસોને કાબુમાં લાવવા રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તારીખ 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. રાત્રિના 11થી લઇને સવારના 6 વાગ્યા સુધી આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે.
છેલ્લાં 24 કલાકમાં સુરત શહેરમાંથી 6 ગ્રામ્યમાંથી 1 સાથે સૌથી વધુ 7, વડોદરામાં 4, જામનગરમાં 1 નવા કેસ સામે આવ્યા હતા. આમ, 3 જ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હોય તેવું માર્ચ 2020 બાદ પ્રથમવાર બન્યું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,25,629 જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10,082 છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 16 દર્દી કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 8,15,386 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ 98.76% છે. હાલમાં 161 એક્ટિવ કેસ છે જ્યારે પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. સુરતમાં સૌથી વધુ 51, વડોદરામાં 41, અમદાવાદમાં 30 એક્ટિવ કેસ છે.