Mon. Dec 23rd, 2024

ગુજરાતની શાળાઓમાં કોરોનાના કેસ વધતા શું ફરીથી સ્કૂલો બંધ કરાશે..? શિક્ષણમંત્રીનું મહત્ત્વપૂર્ણ નિવેદન…

ગુજરાતમાં કોરોના વાયરસના ઝડપી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, રાજ્યમાં તેની સંખ્યા વધીને કુલ 13 થઈ ગઈ છે. રવિવારે 6 નવા કેસ નોંધાયા, જેમાં ગાંધીનગરમાં 1, સુરત-રાજકોટમાં 1-1, અમદાવાદમાં ટાન્ઝાનિયાથી આવેલું 1 કપલ સહિત આણંદનો 1 યુવક સામેલ છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ ગઈ છે. ઓમિક્રોન બાળકોને જલ્દીથી શિકાર બનાવી રહ્યો છે, બીજી બાજુ રાજ્યમાં સ્કૂલો-કોલેજો શરૂ થઈ ગઈ છે, ત્યારે ઓમિક્રોનના ખતરા વચ્ચે શું ફરીથી સ્કૂલો અને કોલેજો બંધ કરાશે તેવા પ્રશ્ન પર રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જેના કારણે સ્કૂલો બંધ કરવાની માંગ થઈ રહી છે, તેને આડકતરી રીતે નકારતા વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ પરિપત્ર બહાર પાડશે. જરૂર પડશે તો નિયમોનો કડકાઈથી અમલ કરાશે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સરકાર ચિંતિત છે. પરંતુ આપણે કોરોના સામે હિંમતભેર લડવાનું છે અને કોરોના નિયમોનું પાલન કરીને તકેદારી રાખવાની છે, સાવધાની રાખવાની છે. એટલા માટે કોરોનાની SOP યથાવત રખાઈ છે. બાળકો માટે ઓનલાઈન અભ્યાસનો પણ સરળ વિકલ્પ ખુલ્લો રાખેલો છે.

નોંધનીય છે કે, શિક્ષણમંત્રીના આદેશના પગલે શિક્ષણ વિભાગ રવિવારે પણ ચાલુ રહ્યો હતો અને રાજ્યની તમામ સ્કૂલો માટે તાત્કાલિક એક પરિપત્ર જાહેર કરીને શાળાઓ્ને તકેદારી માટે કયાં પગલા ભરવા તેની સૂચના આપી હતી.

ધોરણ 1થી 12ની શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને સૂચના આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ સ્ટાફ દ્વારા વેક્સીનના બન્ને ડોઝ લીધેલા હોવા જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. અથવા કોઈ પ્રકારનો રોગ દેખાય તો જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે. વાલીઓએ પણ પરિવારમાં કે બાળકમાં કોરોનાના લક્ષણો કે સંક્રમણ દેખાય તો શાળાએ મોકલવું નહીં. શાળાએ ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલું રાખવાની રહેશે.

ધો. 1થી 12ની શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને સૂચના

  1. તમામ સ્ટાફ દ્વારા વેક્સિનના બંન્ને ડોઝ સુનિશ્ચિત કરવું.
  2. કોઇપણ વિદ્યાર્થીમાં સંક્રમણના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો
  3. વિદ્યાર્થીમાં કોઈપણ પ્રકારનો રોગ દેખાય તો જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરવાની રહેશે.
  4. વાલીઓએ પણ પરિવારમાં કે બાળકમાં સંક્રમણ જણાય તો શાળાએ મોકલવું નહીં.
  5. શાળાએ ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રાખવાની રહેશે.

Related Post

Verified by MonsterInsights