ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવા માટે હવે હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું છે. થોડા દિવસો પહેલા જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાનના આરોગ્યમંત્રી રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગીને લઇને બેઠકોનો દોર શરૂ થયો હતો. ગુજરાત કોંગ્રેસના આગેવાનો રાહુલ ગાંધી સાથે બેઠક કરવા માટે દિલ્હીમાં પણ ગયા હતા. ત્યારબાદ હવે કોંગ્રેસ દ્વારા નવા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવી છે.
દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસનું સુકાન જગદીશ ઠાકોરને સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાને વિપક્ષને નેતાની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને નેતાઓ હાલ દિલ્હીમાં છે અને તેઓ દિલ્હીથી ગુજરાતમાં આવશે ત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત એરપોર્ટ પર જ કરવામાં આવશે.
એવી પણ માહિતી મળી રહી છે કે, નવા પ્રદેશ પ્રમુખનો પદ ગ્રહણ સમારોહ શનિવાર અને સોમવારના રોજ યોજવામાં આવશે. છેલ્લા બે દિવસથી દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના આગેવાનોનો રાહુલ ગાંધી સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને દિપક બાબરીયા સહિતના સિનિયર નેતાઓ હાજર રહેતા હતા.
આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં લડશે. વિધાનસભામાં પાવી જેતપુરના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા સુખરામ રાઠવા કોંગ્રેસનો અવાજ બનશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ સામે આવતા જ બનાસકાંઠાના ચાગા ગામમાં એટલે કે જગદીશ ઠાકોરના ગામમાં ઢોલ નગારા સાથે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ અબીલ ગુલાલ ઉડાવી અને ફટાકડા ફોડીને ખૂશી વ્યક્ત કરવામાં આવી હતી. જગદીશ ઠાકોરના પરિવારના સભ્યોએ મીઠાઈથી ગામના લોકોના મો પણ મીઠા કરાવ્યા હતા.
મળતી માહિતી અનુસાર જગદીશ ઠાકોરે રાજકીય કારકિર્દીની શરૂઆત 1973 NSUIથી કરી હતી. 1975માં તેઓ અમદાવાદ જિલ્લા યૂથ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી બન્યા હતા. 2002માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને દેહગામના ધારાસભ્ય બન્યા. 2007માં પણ દહેગામમાંથી તેઓ બીજી વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2009માં તેઓ પાટણના સાંસદ બન્યા હતા.