Wed. Dec 4th, 2024

ગૌતમ ગંભીરને ત્રીજી વખત ISISએ આપી જીવથી મારી નાખવાની ધમકી, કહ્યું-દિલ્હી પોલીસમાં..

દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી (BJP) અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરે ત્રીજી વખત જીવથી મારવાની ધમકી આપી છે. તેમને 27 નવેમ્બરની રાતે ધમકી ભરેલો ઇ-મેલ મોકલવામાં આવ્યો છે. એટલું જ નહીં આ વખત ઇ-મેલમાં દિલ્હી પોલીસનો પણ ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, તેમની સુરક્ષામાં લાગેલી પોલીસ પણ તેમને કશું જ નહીં કરી શકે. રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાનના કરાંચીથી ગૌતમ ગંભીરને રવિવારે એક ઇ-મેલ મોલવામાં આવ્યો છે.

આ ઇ-મેલમાં તેમને અને તેમના પરિવારને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઇ-મેલ ISIS કાશ્મીર (isiskashmir@yahoo.com)ની ID પરથી મોકલવામાં આવ્યો છે, તેમાં લખવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસ અને IPS શ્વેતા ચૌહાણ (DCP સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ) પણ કશું જ નહીં કરી શકે. તેની સાથે જ કહેવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસની અંદર અમારા જાસૂસ ઉપલબ્ધ છે જે અમને તમારી બાબતે બધી જાણકારી આપી રહ્યા છે. આ પહેલા ગૌતમ ગંભીરને થોડા દિવસ અગાઉ જ ધમકી ભરેલા બે ઇ-મેલ મળી ચૂક્યા છે, એ પણ ISIS કાશ્મીરે મોકલ્યા હતા.

ત્યારબાદ, પૂર્વ ક્રિકેટરના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જ્યારે ગૌતમ ગંભીરને પહેલા જે ઇ-મેલ મોકલવામાં આવ્યા હતા તેની તપાસ સાઇબર સેલ કરી રહી છે. ગૌતમ ગંભીર વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં BJPની ટિકિટ પર પૂર્વી દિલ્હીના સંસદીય વિસ્તારમાંથી ચૂંટણી જીત્યા હતા. ગૌતમ ગંભીર દરેક મુદ્દા પર નીડર વિચાર રાખવા માટે જાણીતા છે. એ સિવાય ગૌતમ ગંભીર વિપક્ષી નેતાઓ પર પોતાની નિવેદનબાજીને લઈને ચર્ચામાં બનેલા રહે છે.

હાલમાં જ તેમણે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને ઘેર્યા હતા. ગૌતમ ગંભીરે નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાના મોટા ભાઈ કહેવા પર કહ્યું હતું કે, પહેલા પોતાના બાળકોને સીમા પર મોકલે પછી એવા નિવેદન આપે. ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે, ભારત 70 વર્ષોથી પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ લડી રહ્યું છે અને સિદ્ધુ તરફથી આતંકવાદી દેશના વડાપ્રધાનને પોતાના મોટા ભાઈ કહેવું શરમજનક છે. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રહેલા ગૌતમ ગંભીર વર્ષ 2011માં વર્લ્ડ કપ જીતનારી ટીમનો હિસ્સો રહ્યા હતા.

Related Post

Verified by MonsterInsights