જાણીતા પત્રકાર અને બંગાળી ન્યૂઝ ચેનલ Zee 24 Ghanta ના એડિટર અંજન બંદોપાધ્યાયનું કોરોનાના કારણે દુ:ખદ નિધન થયું. 56 વર્ષના અંજન બંદોપાધ્યાય કોરોનાથી પીડિત હતા અને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં રવિવારે રાતે 9.25 વાગે તેમણે છેલ્લા શ્વાસ લીધા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંદોપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો. અત્રે જણાવવાનું કે અંજન બંદોપાધ્યાય રાજ્યના મુખ્ય સચિવ અલ્પન બંદોપાધ્યાયના ભાઈ હતા. પરિવારના સૂત્રોના જણાવ્યાં મુજબ બંદોપાધ્યાય એપ્રિલના મધ્યમાં કોવિડથી સંક્રમિત થયા હતા અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
મળતી માહિતી મુજબ તેઓને સ્થિતિમાં સુધારો જણાતા ઘરે પાછા ફર્યા હતા પરંતુ ત્યારબાદ ફરીથી સ્થિતિ બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓને વેન્ટિલેટર પર રખાયા હતા અને ત્યારબાદ Extracorporeal Membrane Oxygenation (ECMO) સપોર્ટ પણ અપાયો હતો. પરંતુ આમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નહતો.
બંદોપાધ્યાયે ઈટીવી બાંગ્લા, 24 ઘંટા અને ત્યારબાદ આનંદબજાર પત્રિકાના ડિજિટલ યુનિટ સાથે કામ કર્યું હતું. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ Zee 24 Ghanta જોઈન કરી હતી. તેમના નિધન પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું કે બંગાળના સારા ટેલિવિઝન એન્કર્સમાંથી એક એવા અંજન બંદોપાધ્યાયના નિધનથી દુ:ખ થયું છે. તેઓ પ્રતિભાશાળી, યંગ અને ડાઈનામિક પત્રકાર હતા.