ટ્વિટરના સ્થાપક જેક ડોરસીએ ટ્વિટરના સીઈઓ તરીકે રાજીનામુ આપી દીધા બાદ ભારતીય મુળના પરાગ અગ્રવાલની તેમની જગ્યાએ નિમણૂંક થઈ છે.એ બાદ પરાગ અગ્રવાલ રાતોરાત લાઈમ લાઈટમાં આવી ગયા છે.જેક ડોરસીએ કહ્યુ હતુ કે, પરાગ પર મને ઉંડો ભરોસો છે.10 વર્ષમાં તેમણે શાનદાર કામગીરી કરી છે.હું પરાગના વ્યક્તિત્વ અને તેમની કામ કરવાની પધ્ધતિનો ફેન છું.હવે તેઓ લીડરશિપ સંભાળે તે સમય આવી ગયો છે.
પરાગ અગ્રવાલ અત્યાર સુધી ટ્વિટરના ચીફ ટેકનોલોજી ઓફિસર હતા અને ટેકનિકલ બાબતોની જવાબદારી તેઓ સંભાળતા હતા.ટ્વિટરમાં પરાગે એન્જિનિયર તરીકે કેરિયર શરુ કરી હતી.તેમણે કોમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કરી છે.એ પહેલા આઈઆઈટી બોમ્બેમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી અને પીએચડી માટે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.2011માં તેમણે ટ્વિટર જોઈન કર્યુ હતુ અને ત્યારથી તેઓ ટ્વિટરમાં જ કામ કરી રહ્યા છે.આ પહેલા તેઓ માઈક્રોસોફ્ટ અને યાહૂમાં પણ કામ કરી ચુકયા છે.
2017માં તેમને કંપનીના ચીફ ટેકનિકલ ઓફિસર બનાવાયા હતા.એક અંગ્રેજી અખબારે તેમની પાસે 11.41 કરોડ રુપિયાની સંપત્તિ હોવાનુ કહ્યુ છે.
દરમિયાન પરાગ અગ્રવાલે જેક ડોરસીનો આભાર માન્યો છે અને તેમનુ માર્ગદર્શન મળતુ રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.પરાગે 2016માં વિનિતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા.આ દંપતિ કેલિફોર્નિયામાં રહે છે અને તેમને એક પુત્ર છે.જેનુ નામ અંશ છે.
પરાગની પત્ની સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિનમાં ફિઝિશિયન અને આસિસટન્ટ પ્રોફેસર છે.