Fri. Dec 27th, 2024

તમિલનાડુ-ઉત્તરાખંડમાં ઓક્સિજન ન મળતા એક રાતમાં 18 દર્દીના મોત

ચેન્નાઇ : તમિલનાડુની એક હોસ્પિટલમાં એક રાતમાં ૧૩ દર્દીઓના મોત નિપજ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે ઓક્સિજનની અછતને કારણે મોત થયા છે. જોકે આ આરોપોને હોસ્પિટલ પ્રશાસન અને સરકારે નકાર્યા હતા. જ્યારે ઉત્તરાખંડમાં પણ અહીના રુડકી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં ખામી સર્જાતા કોરોનાના પાંચ દર્દીના મોત નિપજ્યા હતા. તેથી ઓક્સિજનના અભાવે માત્ર ૨૪ કલાકમાં જ બન્ને રાજ્યોના મળી ૧૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

દરમિયાન તમિલનાડુના ચેનગલપેટ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં રાતોરાત ૧૩ દર્દીઓના મોત નિપજતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે ઓક્સિજનની અછતનો મામલો ઉઠાવ્યો છે જ્યારે જિલ્લા કલેક્ટરનો દાવો છે કે ઓક્સિજનની અછત નહીં પણ તેના સપ્લાયની જે પાઇપ હોય તેમાં ટેક્નીકલ ખામી સર્જાઇ હતી, જેને પગલે દર્દીઓના મોત નિપજ્યા હતા. પાઇપમાં આ ખામી કેવી રીતે સર્જાઇ તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાથે કલેક્ટરે એવો પણ દાવો કર્યો છે કે આ હોસ્પિટલમાં ૨૩ દર્દીઓ હતા તેમાં માત્ર એક જ કોરોના દર્દી હતો.  બીજી તરફ તમિલનાડુના ચેન્નાઇમાં અનેક હોસ્પિટલોમાં હજુ પણ ઓક્સિજનની મોટી અછત હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. ગત વર્ષે જ તમિલનાડુમાં ચૂંટણી યોજાઇ હતી અને સત્તા પરિવર્તન થયુ છે. મદ્રાસ હાઇકોર્ટે પણ કોરોના મહામારી માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે.

એવામાં અહીની હોસ્પિટલમાં રાતોરાત ૧૩ દર્દીના મોતની ઘટનાએ રાજ્યમાં અરેરાટી મચાવી છે. અગાઉ કર્ણાટકના બેંગાલુરુમાં ચાર મેના રોજ કોરોનાની સારવાર લઇ રહેલા ૨૩ સહિત ૨૪ દર્દીઓના ઓક્સિજનના અભાવે મોત નિપજ્યા હતા. દિલ્હીમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. જોકે સરકારો દાવા કરી રહી છે કે ઓક્સિજનની અછત નથી અને લોકોને પુરતો ઓક્સિજન મળી રહે તેની વ્યવસ્થા થઇ રહી છે.  જ્યારે ઉત્તરાખંડની રુડકી હોસ્પિટલમાં એક મહિલા સહિત કોરોનાના પાંચ દર્દીઓના મોડી રાત્રે મોત નિપજ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર આ ઘટના મોડી રાત્રે દોઢથી બે વાગ્યાની વચ્ચે બની હતી.

જે લોકો માર્યા ગયા તેમાં ચાર ઓક્સિજન સપોર્ટ પર જ્યારે એક વેન્ટિલેટર પર હતા. આ ઘટનાની મેજિસ્ટ્રેટ સ્તરની તપાસના આદેશ આપી સરકારે સંતેોષ માન્યો હતો, જ્યારે તમિલનાડુમાં પણ તપાસ કરી રહ્યા હોવાના દાવા કરી સરકારે હાથ ઉચા કરી લીધા હતા. કોરોનાના દર્દીઓ એક તરફ ઓક્સિજનના અભાવે તડપી રહ્યા છે જ્યારે બીજી તરફ ઓક્સિજન સપ્લાયમાં જ ખામી સામે આવી રહી છે તેથી હોસ્પિટલોના ઓડિટ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Related Post

Verified by MonsterInsights