હૈદરાબાદઃ બંગાળના અખાત પરના આકાશમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું ‘ગુલાબ’ આજે મોડી સાંજ સુધીમાં ઓડિશા અને આંધ્ર પ્રદેશના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટકે એવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. એ સાથે જ વિભાગે ‘રેડ એલર્ટ’ ઘોષિત કરીને આ બંને રાજ્યોના કાંઠાળ જિલ્લાઓના વહીવટીતંત્રોને સતર્ક કરી દીધા છે.
‘રેડ એલર્ટ’ને પગલે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. ઓડિશાના દક્ષિણી સમુદ્રકાંઠાના વિસ્તારોમાં આજે સવારથી વરસાદ પણ શરૂ થઈ ગયો છે. NDRFના જવાનોની 18 ટૂકડીઓને ઓડિશા, આંધ્રના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. તે ઉપરાંત ભારતીય લશ્કર, ભારતીય નૌકાદળ પણ એલર્ટ પર છે.
‘વાવાઝોડું ગુલાબ’ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. પવનની ગતિ પ્રતિ કલાક 75 કિ.મી.ની છે અને તે વધીને 95 કિ.મી. થઈ શકે છે. વાવાઝોડું મધરાતની આસપાસ આંધ્ર પ્રદેશના ગોપાલપુર અને કલિંગાપટનમ વચ્ચે લેન્ડફોલ કરે એવી આગાહી છે. છેલ્લા ચાર મહિનામાં આંધ્ર પ્રદેશમાં ફૂંકાનાર આ બીજું વાવાઝોડું છે. તાજેતરમાં જ ‘યાસ વાવાઝોડું’ ફૂંકાયું હતું.