દેશ માટે આ સારા સમાચાર છે, અત્યાર સુધી સેક્સ રેશિયોમાં પુરુષોની સંખ્યા વધારે રહેતી હતી, પરંતુ આ વખતે પુરુષોની સંખ્યાની સરખામણીએ મહિલાની સંખ્યા વધી ગઇ છે. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સરવેના એક રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં 1000 પુરુષોની સરખામણીએ મહિલાઓની વસ્તીનો આંકડો 1020 થઇ ગયો છે. આ રિપોર્ટમાં ફર્ટિલીટી રેટ ઘટ્યો હોવાનું પણ કહેવાય છે.
નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને ભારતમાં મહિલાઓની ઓછી વસ્તી માટે 1990માં એક લેખમાં મિસિંગ વુમન શબ્દનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ભારતમાં ધીમે ધીમે વસ્તુઓ બદલાઈ ગઈ છે અને હવે દેશમાં મહિલાઓની વસ્તી પુરુષો કરતા વધી ગઈ છે. 1990ના દાયકામાં ભારતમાં દર હજારે સ્ત્રીઓ અને પુરુષોનો રેશિયો 927 હતો. 2005-06માં આ આંકડો ઘટીને 1000-1000 થયો.
જો કે, 2015-16માં તે ઘટીને 991 પ્રતિ હજાર પુરૂષો પર આવી ગયો હતો, પરંતુ આ વખતે આ આંકડો 1000-1,020 સુધી પહોંચી ગયો છે.
સર્વેમાં વધુ એક મોટી વાત સામે આવી છે. કુલ પ્રજનન દર અથવા સ્ત્રી દીઠ બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. સર્વે અનુસાર, સરેરાશ, એક મહિલાને હવે માત્ર બે બાળકો છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણો કરતા ઓછા છે. એવું માનવામાં આવે છે કે ભારત વસ્તીના સંદર્ભમાં ટોચ પર પહોંચી ગયું છે. જો કે નવી વસ્તી ગણતરી બાદ જ તેની પુષ્ટિ થશે.
નેશનલ ફેમિલી હેલ્થના પાંચમા રાઉન્ડનો સરવેમાં 2010-2014 દરમ્યાન પુરુષોનું આયુષ્ય 66.4 વર્ષ છે જયારે મહિલાઓની 69.6 વર્ષ છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બાળકોના જન્મનો જેન્ડર રેશિયો હજુ પણ 929 છે. એટલે કે છોકરાની ઈચ્છા હજુ પણ લોકોમાં જોવા મળે છે. દર હજાર નવજાત જન્મે છોકરીઓની સંખ્યા માત્ર 929 છે. જોકે, કડકાઈ બાદ લિંગ ઓળખવાના પ્રયાસમાં અને ભ્રૂણહત્યામાં ઘટાડો થયો છે.
નેશનલ ફેમિલી એન્ડ હેલ્શનો સર્વે 2019 અને 2021માં બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દેશના 707 જિલ્લાઓમાં 6,50,000 ઘરોમાં કરવામાં આવ્યો હતો. બીજા તબક્કાનો સર્વે અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઓડિશા, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવ્યો હતો.