દૈનિક ભાસ્કર ગ્રુપના માલિકોની ઓફિસ અને મકાન પર વહેલી સવારથી જ ઈન્કમ ટેક્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કરચોરીના આરોપસર દૈનિક ભાસ્કર ગ્રૂપના વિવિધ સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

નોઈડા, અમદાવાદ, ભોપાલ, રાજસ્થાન સહિતની ઓફિસ પર પોલીસની ટીમ સાથે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 100 કરતા વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમ બનાવી રેડ પાડવામાં આવી છે. પોલીસ અને SRPની ટીમ પણ બંદોબસ્ત માટે ગોઠવવામાં આવી છે.

દેશભરમાં લગભગ 6 કરતા વધુ દૈનિક ભાસ્કરની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. IT વિભાગની સાથે અન્ય વિભાગના અધિકારીઓ પણ સર્ચમાં સાથે જોડાયા છે. અમદાવાદમાં પણ એસ.જી.હાઈવે મકરબા સ્થિતિ દિવ્ય ભાસ્કરની ઓફિસ ખાતે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

મહત્વનું છે કે, દૈનિક ભાસ્કર ગ્રુપ દ્વારા કોવિડ મહામારીની બીજી લહેર દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કોરોનાથી થયેલા મોતના આંકડા મુદ્દે ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ સાથેના આંકડા દર્શાવ્યા અને સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓને ખોટા હોવાનું દર્શાવ્યું હતું.

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભાસ્કર ગ્રુપને જાહેરાત આપવાનું પણ બંધ કરવામાં આવ્યું હતું. અન્ય પણ કેટલાક ટકરાવ ચાલી રહ્યાં હતા.

દૈનિક ભાસ્કર ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહીને લઈ મીડિયા જગતમાં ફીટકાર વરસી રહ્યો છે. સરકાર મીડિયાને દબાવવા માટે થઈને દરોડાની કાર્યવાહી કરી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આ મુદ્દે ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

 

સુરજેવાલાએ કેન્દ્ર સરકારને ”રેડજીવી” ગણાવી હતી. દરોડાની કાર્યવાહીને કેન્દ્ર સરકારનો પ્રેસની આઝાદી પર કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો. સુરજેવાલાએ જણાવ્યું હતું કે, લોકતંત્રના અવાજને રેડરાઝથી દબાવી નહી શકાય.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights