સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વના ચુકાદામાં એક વ્યક્તિને તેની પત્નીને ડિવોર્સ આપવાની છૂટ આપી હતી પરંતુ સાથે જ એમ પણ કહ્યું હતું કે, બાળકો સાથે ડિવોર્સ ન થઈ શકે. કોર્ટે રત્ન અને આભૂષણોના વ્યાપાર સાથે સંકળાયેલા મુંબઈના શખ્સને 4 કરોડ રૂપિયાની સમાધાન રકમ જમા કરાવવા માટે 6 સપ્તાહનો સમય આપ્યો છે.
આ સાથે જ કોર્ટે બંધારણની કલમ 142 અંતર્ગત મળેલી પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરીને 2019થી અલગ રહી રહેલા દંપતીની આંતરિક સમજૂતીથી ડિવોર્સ પર મહોર પણ મારી દીધી હતી. અગાઉ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ એમઆર શાહની પીઠ દ્વારા સુનાવણી દરમિયાન પતિના વકીલે કોરોના મહામારીના કારણે વ્યાપારમાં થયેલા નુકસાનનો હવલો આપીને સમાધાનની રકમ ચુકવવા માટે વધુ થોડા સમયની માંગણી કરી હતી.
પરંતુ પીઠે જણાવ્યું કે, તમે પોતે સમાધાનમાં સહમતિ આપી હતી કે, ડિવોર્સ આપતી વખતે તમે 4 કરોડ રૂપિયાની ચુકવણી કરશો. હવે આ નાણાંકીય મુશ્કેલીનો તર્ક રજૂ કરવો તે યોગ્ય નથી. સમાધાન 2019માં થયું હતું અને તે સમયે મહામારી નહોતી. વધુમાં કહ્યું કે, તમે તમારી પત્નીને ડિવોર્સ આપી શકો છો પરંતુ પોતાના બાળકોથી ડિવોર્સ ન લઈ શકો કારણ કે, તમે તેમને જન્મ આપ્યો છે. તમારે તેમની દેખભાળ કરવી જ પડશે. તમારે તમારી પત્નીને સમાધાનની રકમ ચુકવવી જ પડશે જેથી તે પોતાનું અને સગરી બાળકોનું પાલન કરી શકે.
આ સાથે જ પીઠે પતિને આગામી એક સપ્ટેમ્બર સુધીમાં એક કરોડ રૂપિયા ચુકવવા અને બાકીના 3 કરોડ રૂપિયા ચુકવવા માટે આગામી 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.
ઉપરાંત દંપતી તરફથી એકબીજા અને સગા-સંબંધીઓ વિરૂદ્ધ કરવામાં આવેલી તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પણ ખતમ કરી દેવામાં આવી છે. પીઠે જણાવ્યું કે, અલગ થઈ રહેલા દંપતી વચ્ચે સમાધાનની અન્ય તમામ શરતો તેમના વચ્ચે થયેલા કરાર પ્રમાણે જ પૂરી કરવામાં આવશે. પીઠે ધ્યાન આપ્યું હતું કે, અલગ થઈ રહેલા દંપતીને એક દીકરો અને એક દીકરી છે અને તેમની કસ્ટડીની શરતો પર બંને વાલીઓમાં પહેલેથી જ સહમતિ થઈ ચુકી છે.