Sun. Dec 22nd, 2024

પુત્રએ પિતાનો રૂ.40 લાખનો વીમો કરાવ્યો, પછી ક્લેઇમનો ફાયદો લેવા જુઓ શું કર્યું

www.thestatesman.com

પાડોશી રાજ્ય રાજસ્થાનના ભરતપુર શહેરમાંથી સંબંધોની હત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં દીકરાએ પિતાનો કરાલેવો વીમો પકવવા માટે એવું કાવતરૂ રચ્યું કે કોઈને ક્યારેય વિચાર પણ ન આવે. ભરતપુરના ડીગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક પુત્રએ તેના બે સાથીઓ સાથે મળીને અકસ્માત વીમાનો નકલી દાવો ઊભો કરવા માટે તેના પિતાની હથોડી વડે હત્યા કરી નાંખી છે. આરોપીઓએ તા.24 ડીસેમ્બરની મોડી રાત્રે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી છે.

આ મામલાની હકીકત જાણી ત્યારે પોલીસના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી. ડીગ પોલીસ સમગ્ર મામલાની ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. હત્યાની ઘટનાનો ભોગ બનેલા મોહકમ ડીગના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા ભડાઈ ગામના રહેવાસી હતા. મોહકમ તેના પુત્ર રાજેશ સાથે ફરીદાબાદમાં રહેતા હતા. લગભગ ચાર મહિના પહેલા રાજેશે તેના પિતા મોહકમનો રૂ.40 લાખ રૂપિયાનો અકસ્માત વીમો ચાર અલગ-અલગ બેંકોમાં કરાવ્યો હતો. તે પછી તેણે આ વીમાનો નકલી દાવો ઊભો કરવાની યોજના બનાવી. આ માટે મોહકમને ગામમાં લાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાંથી પોલીસને જાણવા મળ્યું છે કે, તા.24 ડિસેમ્બરના રોજ રાજેશ તેના મિત્રો સાથે તેના પિતાને ઘરે લાવવાની યોજના બનાવી રહ્યો હતો. સાંજે રસ્તામાં રાજેશે તેના પિતા અને તેના સાથીદારોને પહેલા દારૂ પીવડાવ્યો હતો. તે પછી ડીગ પોલીસ સ્ટેશન વિસ્તારના દિદાવલી ગામ પાસે તક જોઈને તેના સાથીઓ સાથે મળીને પિતાને હથોડીના ઘા મારીને મારી નાખ્યા. બાદમાં મૃતદેહને રોડની સાઈડમાં ફેંકી દીધો હતો જેથી અકસ્માત થયો હોય તેવું લાગે.

ઘટનાને અંજામ આપવા માટે રાજેશ અને તેના સાગરિતો નશાની હાલતમાં મોડી રાત સુધી રોડ પર ફરતા હતા. આ દરમિયાન તે રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતો. કોઈ સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે ત્રણેય આરોપીઓની શાંતિ ભંગ કરવા બદલ ધરપકડ કરી હતી. તા.25 ડીસેમ્બરની સવારે પોલીસને કંટ્રોલ રૂમ દ્વારા માહિતી મળી કે ડીદાવલી ગામ પાસે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. પોલીસ ઉચ્ચ અધિકારી બુગાલાલ મીણાએ જણાવ્યું કે જ્યારે પોલીસે મૃતદેહ વિશે માહિતી મેળવી ત્યારે આધાર કાર્ડના આધારે તેની ઓળખ મોહકમના રહેવાસી નાગલા ભડાઈ ગામના રહેવાસી તરીકે થઈ હતી. પોલીસે મૃતકના પરિજનોને જાણ કરી હતી. આ દરમિયાન પરિવારે પોલીસને જણાવ્યું કે મોહકમનો તાજેતરમાં 40 લાખ રૂપિયાનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે. આ કારણે પકડાયેલા યુવકો પર પોલીસની શંકા ગઈ હતી. પોલીસે ત્રણેય યુવકોની કડક પૂછપરછ કરતાં તેઓએ સત્ય ઉજાગર કર્યું હતું. ત્રણેય આરોપીઓએ મોહકમની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. તેમણે કહ્યું કે તેણે મોહકમની હત્યા માત્ર અકસ્માત વીમાનો દાવો લેવા માટે કરી હતી.

Related Post

Verified by MonsterInsights