ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મમેકર મણિરત્નમની તબિયત ખરાબ થવાના કારણે તેમને ચેન્નઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેના પછી તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પત્ની સુહાસિનીના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હાલમાં સારી છે.
મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’ ની ટીઝર ઇવેન્ટ 8 જુલાઈના રોજ ચેન્નાઈમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં જયમ રવિ, કાર્તિ, વિક્રમ પ્રભુ, ત્રિશા અને એઆર રહેમાન જેવા દિગ્ગજ કલાકારોએ પોતાની હાજરી આપી હતી. આ દરમિયાન દરેક વ્યક્તિ કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં માસ્ક પહેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ‘પોન્નિયન સેલ્વનઃ 1’ને મણિરત્નમનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. ફિલ્મનો પહેલો ભાગ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ‘રોઝા’, ‘બોમ્બે’, ‘દિલ સે’ અને ‘ગુરુ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા મણિરત્નમ છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા.
મહત્વનું છે કે, આ ફિલ્મ પોન્નિયિન સેલ્વન 500 કરોડના બજેટમાં બની છે. જ્યાં ઐશ્વર્યા રાય બચ્ચન સ્ક્રીન પર આ ફિલ્મથી કમબેક કરી રહી છે. ત્યાં જ આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર ચિયાન વિક્રમ પણ છે. ફિલ્મનું ટીઝર અને પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. એક તરફ જ્યાં આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની તૈયારી કરી રહી છે તે પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.
કોર્ટે ફિલ્મના ડાયરેક્ટર મણિરત્નમ અને અભિનેતા વિક્રમને નોટિસ પાઠવી છે. જેમાં આ ફિલ્મ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, અહી ચોલા વંશની વાર્તાને ખોટી રીતે દર્શાવી છે. આ ફિલ્મ ચોલ વંશ પર આધારિત છે જેણે ભારત પર 1500 વર્ષ સુધી શાસન કર્યું.