ભારતના મહાન દોડવીર અને ‘ફ્લાઇંગ શીખ’ તરીકે જાણીતા મિલ્ખા સિંહનું એક મહિના સુધી કોરોના સામેની લડાઈ બાદ નિધન થયું છે. પરિવારના પ્રવક્તાએ શુક્રવારે રાત્રે આ માહિતી આપી હતી. કોવિડ -19 પછીની સમસ્યાઓને લીધે શુક્રવારે સાંજે 91 વર્ષની મિલ્ખા સિંહની હાલત નાજુક થઈ ગઈ હતી, જેમાં તેનું ઓક્સિજનનું લેવલ ઓછું હતું અને તેમને તાવ હતો. જણાવી દઈએ કે ગત રવિવારે જ તેમના પત્ની અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું પણ કોરોનાના કારણે અવસાન થયું હતું.
તેમના પરિવારના પ્રવક્તાએ કહ્યા અનુસાર, તેમનું રાત્રે 11.00 વાગ્યે અવસાન થયું હતું. સાંજથી તેમની હાલત ખરાબ હતી અને તાવની સાથે ઓક્સિજન પણ ઘટ્યું હતું. તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા મહિને તેને કોરોના થયો હતો જો કે બુધવારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમને જનરલ આઈસીયુ ખસેડાયા હતા. ગુરુવારે સાંજ પહેલા તેમની હાલત સ્થિર હતી.
પદ્મશ્રી મિલ્ખા સિંહના અવસાન પર વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું હતું કે, મિલ્ખા સિંહ જીના અવસાન સાથે દેશે એક મહાન રમતગમત ગુમાવ્યા છે. અસંખ્ય ભારતીયોના હૃદયમાં તેમનું વિશેષ સ્થાન છે. થોડા દિવસો પહેલા જ મેં મિલ્ખા સિંહ જી સાથે વાતચીત કરી હતી. મને ખબર નહોતી કે આ અમારી છેલ્લી વાતચીત હશે.
ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મિલ્ખા સિંહેએ 1958 કોમનવેલ્થ ગેમ્સમાં પણ સુવર્ણ ચંદ્રક જીત્યું હતું. તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 1960 ની રોમ ઓલિમ્પિક્સમાં હતું જેમાં તે 400 મીટરની ફાઇનલમાં ચોથા સ્થાને રહ્યા હતા. તેમણે 1956 અને 1964 ઓલિમ્પિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1959 માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. મિલ્ખા સિંઘના જીવન પર એક ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ પણ બનાવવામાં આવી છે, જેમાં ફરહાન અખ્તરે તેનું પાત્ર ભજવ્યું હતું.