બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનું પ્રમાણ વધતું જાય છે. વધુ એક વખત હિંદુ ઘરો અને મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે અને ભારે તોડફોડ કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં કોમિલ્લામાં દુર્ગા પૂજા દરમિયાન પંડાલોમાં હુમલા કરાયા હતા જ્યારે હવે રંગપુરના ઉપજિલા પીરગંજમાં ઉપદ્રવીઓ દ્વારા હિંદુઓના મકાનોમાં ભારે તોડફોડ કરવામાં આવી છે. કટ્ટરવાદીઓએ અહીં હિંદુઓના ૬૬ ઘરોમાં આગ લગાવી દીધી હતી.
પોલીસનો દાવો છે કે આ મામલો સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ સાથે જોડાયેલો છે. હિંદુ વ્યક્તિ દ્વારા થયેલી વાંધાજનક પોસ્ટને પગલે કેટલાક વિસ્તારોમાં કોમવાદી વાતાવરણ પેદા થઇ ગયું હતું. અને હિંદુઓના મકાનો તેમજ ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરવામાં આવી હતી. જે વિસ્તારના યુવકે આ પોસ્ટ કરી હતી તેને સુરક્ષા પુરી પાડવામાં આવી હતી, જોકે કટ્ટરવાદીઓએ તે વિસ્તારના હિંદુઓના અન્ય મકાનોને ટાર્ગેટ કરવાનું શરૃ કરી દીધુ હતું.
આ પહેલા દુર્ગા પૂજા દરમિયાન પંડાલો પર હુમલા કરવામાં આવ્યા હતા અને ભારે તોડફોડ કરાઇ હતી. સ્થાનિક સંઘ પરિષદના અધ્યક્ષનો દાવો છે કે હિંદુઓના ૬૬ ઘરોને આગ લગાવી દેવામાં આવી છે. જ્યારે અન્ય એક રિપોર્ટમાં આ આંકડો ૨૦નો હોવાનું સામે આવ્યું છે. બાંગ્લાદેશમાં ૧૩મી ઓક્ટોબરથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાએ વિચિત્ર સરખામણી કરતા કહ્યું હતું કે ભારતમાં પણ એવી કોઇ ઘટના ન થવી જોઇએ કે જેની અસર બાંગ્લાદેશ પર પડે. અને ખાતરી આપી હતી કે જે પણ હિંદુઓના મકાનો અને ધાર્મિક સ્થળો પર આ હુમલા કરવામાં આવ્યા છે તેમાંથી કોઇને પણ બક્ષવામાં નહીં આવે. કેટલાક વિસ્તારોમાં હુમલાખોરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
બીજી તરફ હિંદુઓએ હવે તેમના પર થઇ રહેલા હુમલાના વિરોધમાં અને હુમલાખોરો સામે કાર્યવાહી કરવાની માગણી સાથે આંદોલન શરૃ કરી દીધા છે. અનેક હિંદુઓ દ્વારા બાંગ્લાદેશના વિવિધ શહેરોમાં ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. દબાણને પગલે અત્યાર સુધીમાં ૫૫ જેટલા કટ્ટરવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની સામે જ આ હુમલા કરવામાં આવ્યા હતા. જોકે તેમ છતા તે સમયે કોઇ ખાસ કાર્યવાહી નહોતી કરવામાં આવી.