ફેસબુક પર કરવામાં આવેલી એક પોસ્ટને લઈને બાંગ્લાદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક મંદિર, દુકાનો અને હિંદુ સમુદાયના કેટલાક ઘરોમાં ઈસ્લામના કથિત અપમાનને લઈને તોડફોડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, શુક્રવાર સાંજના સમયે અજાણ્યા વ્યક્તિઓએ નરેલ જિલ્લાના સહપારા ગામમાં ઘણા ઘરોમાં તોડફોડ કરી અને એક ઘરને આગ ચાંપી દીધી હતી. પોલીસે હુમલાખોરોને વિખેરવા હવામાં ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ ગામના એક મંદિર પર પથ્થરમારો પણ કર્યો હતો. તેઓએ મંદિરની અંદરનું ફર્નિચર પણ તોડી નાખ્યું હતું. આ હુમલા બાદ મોટાભાગના લોકોએ ગામ છોડી દીધું છે અને લગભગ તમામ ઘરોને હાલમાં તાળા લાગેલા છે.
નોંધનીય છે કે, એક યુવકે ફેસબુક પર કંઈક વાંધાજનક પોસ્ટ કરી હતી, જેના કારણે મુસ્લિમ સમુદાયના લોકો ગુસ્સે થઈ ગયા હતા. પોલીસે આ યુવકની શોધખોળ કરી હતી પરંતુ તે ન મળતાં તે તેના પિતાને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યારબાદ ફેસબુક પોસ્ટ પર શુક્રવારની નમાજ પછી તણાવ વધી ગયો અને બપોરે મુસ્લિમ સમુદાયના જૂથે વિરોધ કર્યો હતો. બાદમાં તેઓએ ઘરો પર હુમલો કર્યો હતો. જોકે, હજુ સુધી કોઈ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી નથી.
નરેલના પોલીસ અધિક્ષક પ્રબીર કુમાર રોયે જણાવ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે કામ કરી રહી છે. હિંસા રોકવા માટે પોલીસ દળોને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.