નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર આવેલ વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતા કાર ખાઈમાં ખાબકી હતી. ઇકો કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જર સવાર હતા. જેઓની ચિચિયારીઓ અને મદદ માટેની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલ લોકોએ જ બચાવ કામગીરી આરંભી હતી. જેમાં ત્રણ યુવતીઓ સહિત પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે.
અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારતા કાર ખાઈમાં ખાબકી
નેત્રંગ મોવી રોડ ઉપર આજે સવારના અરસામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહનની અડફેટે પેસેન્જર ભરી જતી ઇકો કાર ખાઇમાં ખાબકતા કારમાં સવાર પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. નેત્રંગ તાલુકાનાં પેટીયા ગામમાં રહેતા દિલિપ વસાવા પોતાની ઈકો કાર નંબર-જી.જે.16.સી.બી.7840 લઈ ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલ બ્રિટાનિયા કંપનીમાંથી કામદારોને લઈ નેત્રંગથી મોવી તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારી હતી. જેના પગલે કાર નજીકમાં આવેલ ખાઈમાં ખાબકી હતી.
ઇજાગ્રસ્તોને રાજપીપળા તેમજ નેત્રંગ ખાતે ખસેડવામાં આવ્યા
ઇકો કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જર સવાર હતા. જેઓની ચિચિયારીઓ અને મદદ માટેની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલ લોકોએ જ બચાવ કામગીરી આરંભી હતી. અને 108 એમ્બ્યુલન્સ તથા પોલીસ વિભાગને જાણ કરી હતી. અકસ્માતમાં બિલાઠા ગામની 23 વર્ષીય ચંદ્રીકાબેન હરેશભાઈ વસાવાનું ઘટનાસ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે રાજપીપળા તેમજ નેત્રંગ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થયો
રાજપીપળા ખાતે સારવાર લઇ રહેલ સોનિકા ખેતુરભાઈ વસાવા ઉ.વ. 22, રહે. મોવી, પ્રવિણાબેન જેઠાભાઈ વસાવા ઉ.વ. 18 રહે. મોવી, અને જ્યોત્સનાબેન ચુનીલાલ વસાવા, ઉ.વ. 18, રહે. બંસી, તથા કીરત વસાવા ઉ.વ. 22 રહે. પેટીયાનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું. અકસ્માતમાં મોતના પગલે આસપાસના વિસ્તારના લોકોમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.