અલાહાબાદ હાઈકોર્ટે શનિવારે અપહરણ, ષડયંત્ર અને ધર્માંતરણ કાયદાના આરોપીને લઈ મહત્વનો નિર્ણય આપ્યો હતો. સાથે જ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી દીધી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, દરેક નાગરિકને કોઈ પણ ધર્મ અપનાવવાનો અધિકાર છે. પોતાની મરજીથી લગ્ન કરવાનો બંધારણીય અધિકાર છે.
જાવેદ ઉર્ફે જાવિદ અંસારી પર અપહરણ, ષડયંત્ર અને ધર્માંતરણનો આરોપ છે. એટલું જ નહીં જાવેદ પર ઈચ્છા વિરૂદ્ધ ખોટું બોલીને ધર્માંતરણ કરાવીને નિકાહ કરવાનો પણ આરોપ લાગ્યો છે. આ કેસમાં જામીન માટે જાવેદે હાઈકોર્ટના બારણે ટકોરા માર્યા હતા પરંતુ કોર્ટે જામીન અરજી રદ કરી દીધી છે.
ઉર્દુમાં લખેલા કાગળ પર હસ્તાક્ષર કરાવ્યાઃ પીડિતાનો આરોપ
આ કેસમાં પીડિતાએ મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપ્યું છે કે, જાવેદે સાદા અને ઉર્દુમાં લખેલા કાગળ પર હસ્તાક્ષર કરાવ્યા. એટલું જ નહીં, જાવેદે એ વાત પણ છુપાવી કે તેના પગેલેથી લગ્ન થઈ ગયેલા છે અને તેણે ખોટું બોલીને ધર્માંતરણ કરાવ્યું. એટલું જ નહીં, પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તે 17 નવેમ્બર, 2020ના રોજ સાંજે 5:00 કલાકે જલેસર બજાર ગઈ હતી ત્યારે કેટલાક લોકોએ તેને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધી હતી અને બીજા દિવસે જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે વકીલોની ભીડ વચ્ચે કડકડડૂમા કોર્ટમાં હતી. ત્યાં તેના પાસે કાગળો પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા અને 18 નવેમ્બરના રોજ ધર્માંતરણ કરાવવામાં આવ્યું. 28 નવેમ્બરના રોજ નિકાહ કરવામાં આવ્યા.
અમે બંને પુખ્ત, મરજીથી લગ્ન થયાઃ આરોપી
આ તરફ જાવેદે કોર્ટમાં પોતાના પક્ષમાં કહ્યું કે, બંને પુખ્ત છે અને પોતાની મરજીથી ધર્મ બદલીને લગ્ન કર્યા છે. ઉપરાંત ધર્માંતરણ કાયદો લાગુ થયો તે પહેલા જ ધર્મ બદલી દેવામાં આવ્યો હતો.
કોર્ટે ફટકાર લગાવ્યો
જસ્ટિસ શેખર કુમાર યાદવની એકલ પીઠમાં આ કેસની સુનાવણી થઈ હતી. આ દરમિયાન જસ્ટિસ યાદવે કહ્યું કે, બંધારણ દરેકને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર આપે છે. લોકો સન્માન માટે ઘર છોડી દેતા હોય છે, અપમાન માટે ધર્મ બદલી દેતા હોય છે, ધર્મના ઠેકેદારોએ પોતાનામાં સુધારો લાવવો જોઈએ કારણ કે, અનેક લોકોના ધર્મ બદલવાથી દેશ નબળો પડે છે.
કોર્ટે કહ્યું કે, વિઘટનકારી શક્તિઓને આનો લાભ મળે છે, ઈતિહાસ સાક્ષી છે કે આપણા ભાગલા પડ્યા, દેશ પર આક્રમણ થયા અને આપણે ગુલામ બન્યા. સુપ્રીમ કોર્ટે પણ ધર્મને જીવન શૈલી માન્યો છે. જસ્ટિસ યાદવે કહ્યું કે, આસ્થા અને વિશ્વાસને બાંધી ન શકાય, તેમાં કટ્ટરતા, ભય, લાલચને કોઈ સ્થાન નથી. કોર્ટે કહ્યું કે, લગ્ન એક પવિત્ર સંસ્કાર છે, લગ્ન માટે ધર્મ બદલવામાં આવે તે શૂન્ય અને સ્વીકાર્ય ન બની શકે.