જમ્મુ: સાંબા જિલ્લામાંથી BSFએ શસ્ત્રોનો જથ્થો કબજે કર્યો હતો. આ જથ્થો પાકિસ્તાને ડ્રોનની મદદથી ભારતની સરહદમાં ઘૂસાડયો હતો. પાકિસ્તાનનું ડ્રોન શસ્ત્રો ભારતની સરહદમાં પડતા મૂકીને પલાયન થઈ ગયું હતું. આ શસ્ત્રો આતંકવાદીઓ સુધી પહોંચવાના હતા.બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન આતંકવાદીઓ સુધી શસ્ત્રો પહોંચાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. પેટ્રોલિંગ વખતે અવાવરું સ્થળે એક એકે ૪૭, પિસ્તોલ, મેગેઝીન અને ૧૫ ગોળીઓ સહિતનો શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો ડ્રોનની મદદથી નીચે ઉતારવામાં આવ્યો હતો.
BSFના કહેવા પ્રમાણે હથિયારો સાથે લાકડાની એક ફ્રેમ પણ મળી આવી હતી, જેની મદદથી શસ્ત્રો ડ્રોનમાંથી નીચે મોકલાયા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે અંધારાનો લાભ લઈને એક ડ્રોન ભારતની સરહદમાં ઘૂસ્યું હતું. તેનો આછો-પાતળો અંદાજ ભારતના જવાનોને થયો હતો. ડ્રોનની ગતિવિધિ પારખીને એ વિસ્તારમાં બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ડ્રોનને ઉડાવી દેવાની તૈયારી થાય તે પહેલાં જ ડ્રોન અવાવરું સ્થળે શસ્ત્રોનો જથ્થો પાડીને પલાયન થઈ ગયું હતું. આ ઘટના પછી બીએસએફના ઉચ્ચ અધિકારીઓએ સમયસર સર્ચ ઓપરેશન હાથ ધરનારા જવાનોની પ્રશંસા કરી હતી અને આવી ડ્રોનની ગતિવિધિ પર નજર રાખવા એલર્ટ જારી કરાયો હતો.
સરહદે વધતી જતી ડ્રોનની ઘૂસણખોરી ચિંતાનો વિષય
– ૨૦ જૂન, ૨૦૨૦ના દિવસે હીરાનગર વિસ્તારમાં પાકિસ્તાનનું એક ડ્રોન ઘૂસ્યું હતું, તેને ભારતીય જવાનોએ ઉડાવી દીધું હતું.
– ૨૦મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ જમ્મુના અરનિયામાં ઘૂસેલું ડ્રોન ૬૨ કિલો હેરોઈન અને બે બંદૂકો લઈને પલાયન થઈ ગયું હતું. એ પછી બધો જ સામાન સુરક્ષાદળોએ જપ્ત કર્યો હતો.
– ૨૨મી સપ્ટેમ્બર-૨૦૨૦ના જમ્મુના જ અખનૂરમાં ડ્રોનની મદદથી એકે ૪૭ અને બંદૂકો સહિતના હથિયારો ઘૂસાડાયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન એ હથિયારો જપ્ત કરી દેવાયા હતા.
– ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ ડ્રોનની મદદથી જમ્મુ-કાશ્મીરમાં હથિયારો ઘૂસાડાયા હતા. એ હથિયારો લઈને જતાં બે આતંકવાદીઓને સુરક્ષાદળોએ પકડી લીધા હતા.
– ૨૪મી એપ્રિલ ૨૦૨૧ના દિવસે જમ્મુના અરનિયામાં હથિયારો ફેંકવા આવેલા બે ડ્રોન પર ભારતીય જવાનોએ ફાયરિંગ કર્યું હતું, તેના કારણે એ બંને ડ્રોન હથિયારો છોડયા વગર પાછા ફર્યા હતા.