ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર હજુ ખતમ થયો નથી અને આ બધા વચ્ચે એક નવું જોખમ તોળાઈ રહ્યું છે. પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ કોવિડ-19 ના એક નવા વેરિએન્ટ B.1.1.28.2 ની જાણકારી મેળવી છે. આ વેરિએન્ટ બ્રિટન અને બ્રાઝિલથી ભારત આવેલા લોકોમાં મળી આવ્યો છે.
ગંભીર સંક્રમણનું જોખમ
કોરોનાના આ ઘાતક નવા વેરિએન્ટને વધુ ખતરનાક ગણવામાં આવી રહ્યો છે. કારણ કે તે સંક્રમિત લોકોમાં ગંભીર લક્ષણો પેદા કરી શકે છે. NIV ની તપાસ મુજબ આ વેરિએન્ટ લોકોને ગંભીર રીતે બીમાર કરી શકે છે.
પુણેની NIV નો એક વધુ સ્ટડી કહે છે કે Covaxin આ વેરિએન્ટ વિરુદ્ધ કારગર છે. સ્ટડી મુજબ રસીના બે ડોઝથી જે એન્ટીબોડી બને છે તે આ વેરિએન્ટનો ખાતમો કરવામાં અસરકારક છે.
આ વેરિએન્ટ અંગે જાણવા મળ્યું છે કે તેનાથી સંક્રમિત થયા બાદ 7 દિવસમાં દર્દીનું વજન ઓછું થઈ જાય છે. આ સાથે જ શરીરમાં રહેલી એન્ટીબોડીને પણ આ વેરિએન્ટથી જોખમ છે અને તેમાં સતત ઘટાડો થાય છે. સૌથી પહેલા આ વેરિએન્ટ બ્રાઝિલમાં મળી આવ્યો હતો અને ત્યાંથી બે વેરિએન્ટે ભારતમાં એન્ટ્રી મારી. જો કે આ બીજા વેરિએન્ટના હજુ વધુ કેસ સામે આવ્યા નથી.
રસીમાં ફેરફાર જરૂરી?
હાલમાં જ WHO એ ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિએન્ટને ચિંતાનો વિષય ગણાવ્યો છે. પરંતુ શું આ નવો વેરિએન્ટ તેનાથી પણ વધુ જોખમી સાબિત થઈ શકે છે? એક સવાલ એ પણ છે કે ડેલ્ટાથી સંક્રમિત દર્દીમાં ફરીથી સંક્રમણનું જોખમ રહેલું છે તો શું તેની પાછળનું કારણ આ નવો વેરિએન્ટ ગણી શકાય.
નવા વેરિએન્ટ અંગે વધુ જાણકારી મેળવવાની હજુ બાકી છે. પરંતુ તેની અસર વ્યાપક સ્તરે થઈ તો વળી પાછી મોટી સમસ્યા પેદા થઈ શકે છે. ભારત બાયોટેકની કોવેક્સીન આ વેરિએન્ટ વિરુદ્ધ કારગર માનવામાં આવી રહી છે પરંતુ તેની સામે લડવા માટે રસીમાં પણ ફેરફાર કરવો જરૂર પડશે.