IPL 2022 બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમનું સમગ્ર ધ્યાન ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમવા પર છે. ટીમ ઈન્ડિયાનો આગામી છ મહિનાનો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ અંત્યત વ્યસ્ત છે. જેની શરૂઆત દક્ષિણ આફ્રિકા સામે દ્વિપક્ષીય સીરિઝ સાથે થાય છે.
આગામી છ મહિનામાં ભારતીય ટીમ એશિયા કપ 2022, ટી-20 વર્લ્ડ કપ અને ઈંગ્લેન્ડ સહિત આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી રમશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ અગાઉ આશરે 20 ટી-20 ઇન્ટરનેશનલ મેચો રમીને પોતાની તૈયારીઓને વધુ મજબૂત બનાવશે.
કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી ટીમ ઇન્ડિયા મહેમાન સાઉથ આફ્રિકા સામે 5 મેચની ટી-20 સિરીઝ રમશે. આ સિરીઝમાં ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ત્રણ વોર્મઅપ મેચ, 3 વન ડે, 3 ટી-20 અને ગત વર્ષે સ્થગિત કરેલી પાંચમી ટેસ્ટ મેચ રમશે. જે ગત વર્ષે સ્થગિત કરવામાં આવી હતી.
આપણે જણાવી દઈએ કે, આ પછી ભારતીય ટીમ સ્ટાર ખેલાડીઓ વિના આયર્લેન્ડ પ્રવાસમાં ડબલીનમાં બે ટી-20 મેચ રમશે. આ પ્રવાસમાં વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે ટીમ ઈન્ડિયાની સાથે જશે. આ સમય દરમિયાન રાહુલ દ્રવિડ ઈંગ્લેન્ડમાં સિનિયર ટીમની સાથે હેડ કોચ તરીકે જારી રહેશે.