મહારાષ્ટ્રના મુંબઈમાં મધરાતે એક મોટી દુર્ઘટના ઘટી. બાંદ્રા વિસ્તારમાં બિલ્ડિંગનો એક ભાગ ધસી પડ્યો જેના કાટમાળ નીચે લોકો દબાઈ ગયા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ઘટના પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. છેલ્લે મળતી માહિતી મુજબ 17 લોકોને રેસ્ક્યૂ કરાયા છે.
ઘટના સ્થળે પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ જણાવ્યું કે અકસ્માત બાદ ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમણે લોકોને રેસ્ક્યૂ કરવાનું શરૂ કર્યું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
તેમણે વધુમાં કહ્યું કે લોકો હ્યુમન ચેન બનાવીને કાટમાળ હટાવવામાં ફાયર બ્રિગેડની મદદ કરી રહ્યા છે. કાટમાળ નીચે ક્યાંક કોઈ દબાઈ નથી ગયા તે અંગે તપાસ ચાલુ છે. બીએમસી તરફથી જાણકારી અપાતા કહેવાયું કે અત્યાર સુધીમાં 17 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. બાંદ્રાના ખેરવાડી વિસ્તારમાં લગભગ પોણા બે વાગે આ ઘટના ઘટી જેમાં બિલ્ડિંગની એક દિવાલ તૂટી પડી.