બિહારના પટના સિટીના માલસલામી થાના ક્ષેત્રમાંથી એક આશ્ચર્યચકિત કરનારા સમાચાર મળ્યા છે. એ સમાચારે સિદ્ધ કરી દીધું છે કે માતા-પુત્રના પ્રેમાળ સંબંધ પણ પૈસા સામે નાનો છે. આ ઘટના પટના સિટીના માલસલામી થાના ક્ષેત્રના ભૈસાલી ટોળા વિસ્તારની છે. જ્યાં લાલચમાં આવીને વહુ અને દીકરાએ પોતાની જ માતા વિરૂદ્ધ પ્લાનિંગ કરી 17 લાખ રૂપિયા લૂંટ્યા હતા.
દીકરા સાથે મળેલા હતા લૂંટના આરોપી
પોલીસના કહેવા અનુસાર, માલસલામી થાના ક્ષેત્રના ચુટકિયા બજાર નિવાસી વૃદ્ધ મહિલા ગિરીજા દેવી પોતાની વહુ શોભા રાની અને દીકરીની સાથે જમીનના પૈસા બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા. એ જ સમયે ભૈસાલી ટોળા વિસ્તારમાં તેના બીજા દીકરાના ઘરની સામે જ ત્રણ આરોપી આવ્યા અને હવામાં ફાયરીંગ કરીને 17 લાખ રૂપિયાથી ભરેલી બેગ લૂંટી લીધી. આરોપીઓ રૂપિયા લઈને ગૂમ થઇ ગયા. ગિરીજા દેવી નશીબને દોષ આપીને શાંત બેસી ગયા. પરંતુ જ્યારે પોલીસે આ ઘટનાની સ્પષ્ટતા કરી ત્યારે એમની વાસ્તવિકતાની જાણ થઇ.
શું છે પૂરી ઘટના?
ગિરીજા દેવી કહ્યું કે, હાલમાં જ તેમણે પીરબહોર થાના ક્ષેત્રના નટરાજ ગલીમાં સ્થિત જૂનું ઘર વેચીને એ જ પૈસાથી માલસલામી થાના ક્ષેત્રના ચુટકિયા બજારમાં એક નવું ઘર ખરીદી કર્યું હતું. જેના માટે 13 લાખ રૂપિયા તેમણે નવા ઘરના આપી દીધા અને 17 લાખ રૂપિયા આપવાના બાકી રહ્યા હતા.
ગિરીજા દેવીએ કહ્યું કે, નવા ઘર માટે વેચનાર વ્યક્તિએ તેમના તરફથી ડ્રાફ્ટમાં પેમેન્ટ આપવાની વાત કરી હતી. ત્યારબાદ તે બેંકમાં ડ્રાફ્ટ બનાવવા માટે જઈ રહી હતી. પૈસા લઈને તે પુત્ર વિષ્ણુના ઘરે ગઈ અને ત્યાંથી વહુ શોભા રાનીને સાથે લઈને બેંકમાં પૈસા જમા કરાવવા માટે જઈ રહી હતી. આ દરમિયાન જ આરોપીઓએ એમણે લૂંટ્યા હતા.
આરોપી વહુ અને દીકરો અરેસ્ટ
પટના સિટી ડીએસપી અમિત શરણે કેસની તપાસ કરી હતી. તેમણે કહ્યું કે, લૂંટની ઘટનામાં પુત્ર અને વહુ બંનેએ અપરિચિત આરોપીઓની મદદ લીધી હતી. એ વાત સ્પષ્ટ થતા જ પોલીસે પુત્ર અને વહુની ધરપકડ કરી છે. જ્યારે પૌત્ર ગુમ છે.