નવા વર્ષ અવસર પર માતા વૈષ્ણો દેવી મંદિર ભવનમાં મચેલી અફરાતફરીમાં લગભગ 12 લોકોના મોત થઈ ગયા છે. આ દુઃખદ ઘટનામાં લગભગ 13 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને માતા વૈષ્ણો દેવીની યાત્રા પર રોક લગાવી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થવાથી યાત્રા ફરી ચાલુ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કટરા સ્થિત ભવન વિસ્તારમાં આ ઘટના રાતે લગભગ 2:45 વાગ્યે બની હતી.
ગેટ નંબર-3 પર આ અકસ્માત થયો હતો. નવા વર્ષના અવસર પર સાંજથી જ મંદિરમાં ભારે સંખ્યામાં લોકો એકત્ર થવા લાગ્યા હતા. કોરોના પ્રોટોકોલ હેઠળ ભવન વિસ્તારમાં એવી ભાગદોડ કઈ રીતે મચી હવે તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ભવન વિસ્તારમાં દર્શન માટે પહોંચેલા કેટલાક લોકોમાં બહેસ થઈ ગઈ હતી ત્યારબાદ ત્યાં ધક્કા-મુક્કીની શરૂઆત થઈ ગઈ અને જોત જોતામાં પરિસ્થિતિ બગડી અને ભાગદોડ મચી જવા પામી હતી.
ગાઝિયાબાદના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે માતા વૈષ્ણો દેવી ભવનમાં કેટલાક લોકો દર્શન કરીને ત્યાં જ રોકાઈ ગયા જેથી ત્યાં માસ ગેધરિંગ થઇ ગઈ અને લોકોને નીકળવાની જગ્યા મળી રહી નહોતી. નાનકડી જગ્યામાં લોકો આવી અને જઈ રહ્યા હતા. આ ડરામણાં નજારાને બતાવનાર પ્રત્યક્ષદર્શીએ પણ પોતાના એક જાણીતાને આ ભાગદોડમાં ગુમાવી દીધા. જ્યારે તેમના એક જાણીતાના હાથમાં ફ્રેકચર છે. બીજી તરફ જમ્મુ-કશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યું કે કટરાના માતા વૈષ્ણો દેવી ભવનમાં મચેલી ભાગદોડમાં 12 લોકોના મોત થઈ ગયા છે અને 13 ઇજાગ્રસ્ત છે.
પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ કોઈક વાત પર કેટલાક લોકોમાં બહેસ થયા બાદ ધક્કા-મુક્કી થઈ અને ભાગદોડ મચી જેના કારણે આવી પરિસ્થિતિ બની. કટરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું કે ઇજાગ્રસ્તોને નારાયણા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. કુલ ઇજાગ્રસ્તોની પણ પુષ્ટિ થઈ નથી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થઈ ગયા છે. તેમનું પૉસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોને 2-2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.
જમ્મુ-કશ્મીરના LG મનોજ સિંહાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરવાની વાત કહી છે. સાથે જ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 10 લાખ અને ઇજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. LG જમ્મુ-કાશ્મીરનું કાર્યાલય અને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ તરફથી હેલ્પ લાઇન નંબર 01991-234804, 01991-234053 જાહેર કરવામાં આવ્યા છે. એ સિવાય અન્ય હેલ્પ લાઇન નંબર PCR કટરા: 1991-232010/9419145182, PCR રિયાસી: 01991-45076/9622856295, DC કાર્યાલય રિયાસી નિયંત્રણ કક્ષ: 01991-245763/9419839557થી પણ જાણકારી લઈ શકાય છે.