બુધવારે મોડી રાત્રે મુંબઇના મલાડ પશ્ચિમમાં નવા કલેક્ટર પરિસરમાં રહેણાંક મકાન ધરાશાયી થતાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા.
Mumbai : મુંબઈમાં ચોમાસુ બેસતાની સાથે જ વરસેલા ધોધમાર વરસાદને પગલે, બુધવારે મોડી રાત્રે મલાડ પશ્ચિમના માલવણી ખાતે એક મકાન એકાએક ધરાશાયી થતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે કાટમાળમાં હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
મુંબઈગરાઓ માટે બુધવારનો દિવસ ખુબ પરેશાન કરનારો રહ્યો. જ્યાં આખો દિવસ મૂસળધાર વરસાદના કારણે જનજીવન ઠપ રહ્યું ત્યાં લગભગ મોડી રાતે 11 વાગે પરા વિસ્તાર મલાડના માલવણીમાં એક 4 માળનું મકાન ધરાશાયી થયું જેના કાટમાળમાં અનેક લોકો દટાયા. છેલ્લી મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે.
બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના જણાવ્યાં મુજબ બુધવારે રાતે લગભગ 11 વાગ્યાની આસપાસ મલાડના ન્યૂ કલેક્ટર કમ્પાઉન્ડમાં આવેલું એક મકાન તૂટી પડ્યું. મુંબઈના ઝોન 11ના ડીસીપી વિશાલ ઠાકુરે જણાવ્યું કે આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. કાટમાળમાં હજુ લોકો દટાયેલા હોઈ શકે છે.
પડી ગયેલી બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મુંબઈના ડેપ્યુટી કમિશનર પોલીસ (ડીસીપી) ઝોન 11 વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળની નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ અને રાહત ટીમ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહી છે.