રશિયાની રાજધાની મોસ્કોમાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે હસી મજાકમાં મિત્ર યુવતીને ગોળી મારી દીધી. ઘટનાને અંજામ આપતા પહેલા યુવકે પીડિત યુવતીને પૂછ્યું કે શું તેને ડર લાગે છે? પોલીસે ફરાર આરોપીની શોધ શરૂ કરી દીધી છે. યુવતીને હાલ હોસ્પિટલમાં દાખલ છે જ્યાં તેની સ્થિતિ ગંભીર છે.
આ રીતે બચ્યો યુવતીનો જીવ
ધ સનના રિપોર્ટ મુજબ આ આખી હિચકારી ઘટના રોડ કિનારે લાગેલા એક સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસનું કહેવું છે કે આરોપી ડેનિસ યેગોરોવની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જલદી તેની દબોચી લેવાશે. આરોપીએ એક એવી પિસ્તોલથી ઘટનાને અંજામ આપ્યો જે મોટાભાગે રેસ શરૂ કરતા પહેલા સિગ્નલ આપવામાં ઉપયોગમાં લેવાય છે. જેને સ્ટાર્લિંગ ગન પણ કહે છે. આ જ કારણે માથામાં ગોળી વાગ્યા બાદ પણ યુવતીનો જીવ બચી ગયો.
મિત્રએ જણાવી આ ખોફનાક દાસ્તાન
ઘટના સમયે પીડિતાની સાથે તેની એક સખી પણ હાજર હતી. તેણે જણાવ્યું કે તે લોકો ક્લાસ એટેન્ડ કરવા આવ્યા હતા. ત્યારે ડેનિસ યેગોરોવ પણ ત્યાં પહોંચી ગયો. તે મજાક મસ્તી કરવા લાગ્યો. વાત વાતમાં તેણે પિસ્તોલ કાઢી અને અમારી સામે જોવા લાગ્યો. પહેલા તેણે મારા પર પિસ્તોલ તાણી અને ત્યારબાદ અચાનક મારી મિત્ર તરફ લઈ ગયો. તેણે મારી મિત્રની પૂછ્યું કે ડર તો નથી લાગતો ને. ત્યારબાદ તેણે તરત ફાયર કર્યું.
અનેક વર્ષોની જેલની સજા થઈ શકે છે
ગોળી વાગતા જ પીડિતાના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને તે નીચે પડી ગઈ. ત્યારબાદ તેને તરત હોસ્પિટલમાં ખસેડાઈ. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે જણાવ્યું કે ડેનિસ યેગોરોવ બાળકોને સ્કેટિંગ શીખવાડવાનું કામ કરે છે. જો તેને દોષિત ઠેરવવામાં આવે તો અનેક વર્ષો સુધી જેલમાં સડવું પડી શકે છે. આ ઘટના બાદથી બંને યુવતીઓ ડરેલી છે.