Mon. Dec 23rd, 2024

રાજકોટની ખાનગી સ્કૂલમાં માસ્ક વગર ભણાવ્યા, સંચાલકે ભૂલ સ્વીકારી

youtube.com

રાજકોટ સ્કૂલમાં કોરોના વાયરસની એન્ટ્રી થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારી રાતોરાત સક્રિય થઈ ગયા છે. સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે ખાસ એક ટીમ તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ક્લાસરૂમમાં શિક્ષક ખુદ માસ્ક વગરના જોવા મળ્યા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ માસ્ક પણ પહેર્યું નથી. સવાલ એ થાય છે કે, શું ચેકિંગના નામે માત્ર નાટક ચાલી રહ્યું છે? વીડિયો વાયરલ થતા શિક્ષણવિભાગ સામે સવાલ ઊઠ્યા છે.

જોકે, આ મામલે સ્કૂલ સંચાલકે પણ પોતાની ભૂલ સ્વીકારી કહ્યું હતું કે, શિક્ષકની ભૂલ છે. આ વીડિયો ઈન્દ્રપ્રસ્થ વિસ્તારમાં આવેલી મોદી સ્કૂલનો હોવાનું જામવા મળ્યું છે. આ વીડિયોમાં જોવા મળ્યું છે કે, ક્લાસમાં અભ્યાસ ચાલી રહ્યો છે. આ દરમિયાન વર્ગખંડમાં શિક્ષક માસ્ક પહેર્યા વગર અભ્યાસ કરાવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પણ માસ્ક વગરના જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન્સમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, માસ્ક અને સેનિટાઈઝેશન તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન અનિવાર્ય છે. પણ નિયમોનો ઉલાળીયો થતો જોવા મળ્યો છે. જોકે, આ અંગે મોદી સ્કૂલના સંચાલકે કહ્યું કે, આ વીડિયો અત્યારનો નથી. થોડા દિવસ પહેલાનો છે. જૂનો વીડિયો છે. અર્થશાસ્ત્ર વિષયના સાહેબ હીરેન વ્યાસ ક્લાસમાં હાજર છે. આ તેમની ભૂલ છે કે, તેઓ માસ્ક વગર અભ્યાસ કરાવી રહ્યા છે. હાલ નિયમોનું ચુસ્તપણ પાલન કરવામાં આવી રહ્યું છે. એક વાત એ પણ સ્પષ્ટ છે કે, શરૂઆતથી કોવિડની ગાઈડલાન્સનું પાલન થયું હોત તો કેસ આવત? વિદ્યાર્થીઓ ભૂલ કરે તો દંડ ફટકારાય છે પણ શિક્ષકે ગાઈડલાઈન્સનું પાલન કર્યું નથી તો એની સામે કાર્યવાહી થશે?

રાજકોટ DEOએ જુદી જુદી છ ટીમ બનાવીને અલગ અલગ સ્કૂલમાં ચેકિંગ શરૂ કર્યું હતું. આરોગ્ય વિભાગને પણ કડક પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ રાજકોટની સ્કૂલમાં તપાસ હેતું પહોંચી હતી. જોકે, આ વખતે પણ સબ સલામતનો દાવો કરવામાં આવ્યો હતો. પણ ચેકિંગના નામે નાટક ચાલતું હોય એવું વાલીઓમાં ચર્ચામાં છે. વાલીઓ હવે પોતાના બાળકોને સ્કૂલે મોકલતા ડરે છે. આવી સ્થિતિમાં બાળકોના કોરોના વાયરસના કેસ વધ્યા તો જવાબદારી કોની? કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ તરફથી પણ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો કે, સ્કૂલમાં કોઈ પ્રકારની ચેકિંગ થતું નથી. રાજકોટ સિટીના પાટીદાર ચોક ખાતે આવેલી વિદ્યાનિકેતન સ્કૂલમાં જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે શિક્ષિકા પોતે માસ્ક નીચું કરીને વાતો કરી રહ્યા હતા. એટલે ચેકિંગ છે કે, માત્ર કરવા ખાતર થતી પ્રવૃતિ એ મુદ્દો વાલીઓમાં ચર્ચામાં છે.

Related Post

Verified by MonsterInsights